calendar_todaySeptember 1, 2026
Bhavnagar News: ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલની ધરપકડ, 2 PIને અને 6 પોલીસકર્મી સસ્પેન્ડ
ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે પોલીસની કાર્યવાહી બાદ હવે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ છે. વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.જેમાંથી 14 આરોપીઓની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તમામ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ અને વધુ રિમાન્ડની માંગણી ન થતાં કોર્ટે 14 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
લઠ્ઠાકાંડમાં પોલીસ કર્મી રાજદીપસિંહ ગોહિલની સંડોવણી
ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય ડિવિઝનની એએસપી કચેરીમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલ આ લઠ્ઠાકાંડમાં સીધી રીતે સંડોવાયેલો હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના મુખ્ય આરોપી ગૌતમ સાથે આ પોલીસકર્મીના સંબંધો અને સંડોવણી હોવાની પુષ્ટિ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને આજે સાંજે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસે અન્ય રાજ્યોમાં પણ તપાસ આરંભી
આ પ્રકરણમાં અન્ય કોઈ પોલીસ કર્મચારીઓની મિલીભગત કે સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડ મામલે વરતેજ પોલીસ મથકમાં કુલ 21 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. લઠ્ઠાકાંડ કેસમાં SMC એ મધ્યપ્રદેશ અને ભાવનગરમાંથી વધુ 6 આરોપીઓને ઝડપ્યા હતાં. જેમાં મધ્યપ્રદેશથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 શખ્સોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસ ટીમો રવાના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News : કચરાના નિકાલની સુવિધા ઉભી કરો, લોકોની રોજગારી બંધ ના થવી જોઈએ: ધારાસભ્ય કુમાર કાનાણીનો પત્ર