android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર, માર્ગ અકસ્માતમાં એકનું મોત, 4ની હાલત ગંભીર

calendar_todayMarch 5, 2026

Bhavnagar News: સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર, માર્ગ અકસ્માતમાં એકનું મોત, 4ની હાલત ગંભીર

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ માસૂમનો ભોગ લીધો છે. વરતેજ નજીક આવેલી સનેસ (સનેડી) ચોકડી પાસે આજે બે ફોર-વ્હીલર ગાડીઓ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.

બાવળા અને વડોદરા પાસિંગની કાર વચ્ચે ટક્કર

ઘટનાની મળતી માહિતી અનુસાર, આ અકસ્માત બાવળા (અમદાવાદ) પાસિંગની ઈકો ગાડી અને વડોદરા પાસિંગની અન્ય એક લક્ઝરી કાર વચ્ચે સર્જાયો હતો. સનેસ ચોકડી પાસે બંને વાહનો એટલી જોરદાર રીતે અથડાયા હતા કે ગાડીઓના કચ્ચરઘાણ વળી ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો ગાડીમાં સવાર એક વ્યક્તિએ સ્થળ પર જ મોત થયું હતું.

ઈજાગ્રસ્તોને ભાવનગર સિવિલ ખસેડાયા

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા 3 થી 4 વ્યક્તિઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રાફિક જામના દ્રશ્યો

હાઈવે પર અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવાની અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


આ પણ વાંચો - Bhavnagar News : મનપાના મહિલા અધિકારીએ આંકડા વિભાગના કર્મચારી સાથે ગેરવર્તન કર્યું, કમિશ્નરને લેખિતમાં ફરિયાદ કરાઈ