android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ

calendar_todayJanuary 22, 2026

Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ

ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ચાલુ ફરજે ભર્યું આઘાતજનક પગલું

ઘટનાની મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ આજે પોતાની ડ્યુટી પર હતા. ફરજ દરમિયાન જ તેઓ પોલીસ મથકથી નીકળી નજીકના ભુતેશ્વર ગામ પાસે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા

દિગ્વિજયસિંહ ગોહિલે આટલું આકરું પગલું કેમ ભર્યું તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. જોકે, પોલીસ સૂત્રો અને ચર્ચાઓ મુજબ, તેઓ છેલ્લા કેટલાક સમયથી ઉપરી અધિકારીઓના માનસિક ત્રાસ અને કામના દબાણ હેઠળ હોવાનું મનાઈ રહ્યું છે. આ જ દબાણને કારણે તેમણે જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

પરિવાર મૌન, તપાસ તેજ

બીજી તરફ, આ સંવેદનશીલ મામલે હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ હાલ મીડિયા સમક્ષ કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. શું ખરેખર વિભાગીય દબાણ જવાબદાર છે કે, અન્ય કોઈ અંગત કારણ, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો - Bhavnagar: મહુવાના મોટા ખુંટવડામાં ઢોર દૂર કરવાની બબાલમાં GRD જવાન અને PSI પર હુમલો, આરોપી સામે ફરિયાદ નોંધાઇ