calendar_todaySeptember 18, 2026
Bhavnagharમાં બનાવટી દારૂની ફેક્ટરી કેસમાં રેલવે કર્મચારી સહિત 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલા સરકારી રેલવે ક્વાર્ટરમાંથી ઝડપાયેલી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીના ચકચારી કેસમાં પોલીસે પકડેલા ત્રણ મુખ્ય આરોપીઓના 5 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. નામોદાર કોર્ટે સુનાવણી બાદ તમામ ત્રણેય આરોપીઓને જેલહવાલે (જ્યુડિશિયલ કસ્ટડી) મોકલી આપવાનો હુકમ કર્યો છે.
લઠ્ઠાકાંડ બાદ પણ નેટવર્ક સક્રિય રહેતા ચિંતા
પોલીસ રિમાન્ડ પૂરા થતાં જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, તેમાં મુખ્ય સૂત્રધાર અને રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ, વિજય ઉર્ફે મયંક રાજુભાઈ મકવાણા અને જીતેન્દ્ર દિલીપભાઈ ખાવડિયાનો સમાવેશ થાય છે. સરકારી ક્વાર્ટરનો દારૂ બનાવવાના અડ્ડા તરીકે ઉપયોગ કરીને બ્રાન્ડેડ દારૂની બોટલોમાં બનાવટી દારૂ ભરી વેચવાના આ કૌભાંડમાં પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે.

અન્ય 7 આરોપીઓ હજુ ફરાર
આ કેસમાં પકડાયેલા મુખ્ય 3 આરોપીઓ સિવાય સંડોવાયેલા અન્ય 7 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોય, તેમને દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બોટાદ-ભાવનગર લઠ્ઠાકાંડની ગંભીર હોનારત બાદ પણ પંથકમાં બનાવટી અને ઝેરી દારૂ બનાવવાનું કૌભાંડ ધમધમી રહ્યું હોવાનું બહાર આવતાં ભારે સનસનાટી મચી છે. ફરાર આરોપીઓ પકડાયા બાદ આ ગેરકાયદેસર નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે અંગે તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.