android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bihar : સિવાનમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 8 લોકોનાં મોતની આશંકા, દોઢ કલાક સુધી ધડાકા

calendar_todayOctober 23, 2026

Bihar : સિવાનમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 8 લોકોનાં મોતની આશંકા, દોઢ કલાક સુધી ધડાકા

બિહારના સિવાન જિલ્લાના આલમાપુર ગામમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ ધમાકો થતાં સમગ્ર પંથકમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આસપાસમાં ભારે અફરાતફરી સર્જાતાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યાર સુધી આઠ લોકોના મોત થયાની આશંકા છે, જ્યારે અનેક લોકો ઘાયલ હોવાની આશંકા છે.

આશરે દોઢ કલાક સુધી ધડાકા

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ફટાકડા બનાવતી ફેક્ટરીમાં લાગેલી ભયાનક આગ બાદ આશરે દોઢ કલાક સુધી સતત અને તૂટક-તૂટક વિસ્ફોટો થતા રહ્યા હતા. આ પ્રચંડ ધડાકાઓને કારણે ફેક્ટરી પરિસરનું એક આખું મકાન સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયું હતું. 

લોકોના શરીરના ટુકડા વેરવિખેર હાલતમાં મળ્યા

વિસ્ફોટની તીવ્રતા એટલી ભયંકર હતી કે દુર્ઘટનામાં ભોગ બનેલા કેટલાય કમનસીબ લોકોના શરીરના ટુકડા જ્યાં-ત્યાં વેરવિખેર હાલતમાં રસ્તા તથા કાટમાળ વચ્ચે વિખેરાયેલા મળ્યા હતા. વિસ્ફોટો શાંત પડ્યા બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. 

લોકોની કંપારી છૂટી ગઈ

કાટમાળ વચ્ચે ક્ષત-વિક્ષત થયેલા માનવદેહોને જોઈને લોકોની કંપારી છૂટી ગઈ હતી. એક જ પરિવારના માતા, પિતા અને દીકરીનું પણ આ ગંભીર બ્લાસ્ટમાં કરૂણ મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે.

લાંબા સમય સુધી સતત વિસ્ફોટો 

બીજી તરફ, ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળની આસપાસ લાંબા સમય સુધી સતત વિસ્ફોટો ચાલુ રહેવાના કારણે રાહત અને બચાવ કામગીરીની ટીમોને અંદર પ્રવેશવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફેક્ટરીની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર તેમજ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારની કડક ઘેરાબંધી કરવામાં આવી રહી છે. 

ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ 

આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી આઠ લોકોના કમકમાટીભર્યા મોતની મળી ચૂકી છે, તેમ છતાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી મૃત્યુ પામેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પ્રચંડ બ્લાસ્ટમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ પ્રબળ આશંકા સ્થાનિક સ્તરે વ્યક્ત કરવામાં આવી રહી છે. 


આ પણ વાંચો   :   Gujarat માં 17 IAS અધિકારીઓની બદલી, અનેક જિલ્લાઓના કલેક્ટર અને DDO બદલાયા