calendar_todayJanuary 11, 2026
BMC Election: મહાયુતિનું મેનિફેસ્ટો જાહેર, 24x7 પાણી અને સુધારેલા રસ્તાઓનો વચન
મહાયુતિએ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવનારી ચૂંટણી માટે પોતાનું મેનિફેસ્ટો બહાર પાડીને વિકાસકાર્યરત એજન્ડા રજૂ કર્યો છે. મતદાનના 4 દિવસ પહેલા જાહેર થયેલા આ ઢંઢેરાને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (અઠાવલે)ના વડા રામદાસ અઠાવલેની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું હતું.
24x7 સ્વચ્છ પાણી પુરવઠા પર ખાસ ભાર
મેનિફેસ્ટોમાં રસ્તા સુધારણા, ભૂગર્ભ વિકાસ, ટ્રાફિક મેનેજમેન્ટ અને 24x7 સ્વચ્છ પાણી પુરવઠા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મહાયુતિનું કહેવું છે કે ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ પર ડામરના રસ્તા અને વધુ ટ્રાફિકવાળા માર્ગો પર સિમેન્ટ કોંક્રિટ (CC) રસ્તાઓ બનાવવામાં આવશે. સાથે સાથે રસ્તાઓની નીચે યુટિલિટી ડક્ટ બનાવવાની યોજના છે, જેથી ભવિષ્યમાં વારંવાર ખોદકામ કરવાની જરૂર ન પડે.
નિયમિત જાળવણી કરાશે
ખાનગી લેઆઉટમાં આવેલા રસ્તાઓને પણ ડામરથી ઢાંકીને તેમની નિયમિત જાળવણી કરાશે. શહેરમાં વારંવાર થતા ખોદકામથી નાગરિકોને થતી અસુવિધા ઘટાડવા માટે 15 સેવા વિસ્તારોમાં ખોદકામનું સંકલન અને યુટિલિટી ટનલના વિકાસની યોજના છે.
પાર્કિગની સમસ્યા
પાર્કિંગ સમસ્યાને ધ્યાનમાં રાખીને, ઓન-સ્ટ્રીટ પાર્કિંગને બદલે કોમ્યુનિટી પાર્કિંગ બનાવાશે. સ્માર્ટ અને મલ્ટિ-લેવલ પાર્કિંગ સિસ્ટમ દ્વારા શહેરની પાર્કિંગ ક્ષમતા વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. ટ્રાફિકની માહિતી માટે રસ્તાઓ પર ડિજિટલ માહિતી બોર્ડ લગાવવામાં આવશે, જેનાથી ડ્રાઇવરોને વાસ્તવિક સમયની માહિતી મળશે.
અપંગ નાગરકો માટે સુવિધા
રાહદારીઓ અને અપંગ નાગરિકો માટે તમામ ફૂટપાથને પ્રમાણભૂત કોંક્રિટથી વિકસાવવામાં આવશે. ખુલ્લી જગ્યાઓનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે અને સ્થાનિક નાગરિક સંગઠનોને સંભાળની જવાબદારી સોંપવામાં આવશે. પાણીની સમસ્યાના ઉકેલ માટે મહાયુતિએ ગરગાઈ, પિંજલ અને દમણગંગા જેવા પ્રોજેક્ટ્સ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનો વચન આપ્યો છે. હાલની 3,800 MLD પાણી પુરવઠા ક્ષમતાને વધારીને 4,900 MLD સુધી પહોંચાડવાની યોજના છે. મેનિફેસ્ટોમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીનું પણ વચન આપવામાં આવ્યું છે. સાથે જ મરાઠી ભાષા અને સંસ્કૃતિને મજબૂત કરવા માટે ખાસ વિભાગ અને કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ