calendar_todayMay 3, 2026
Bodeli News: નર્મદાનું પાણી બંધ થતા 25 હજારની વસ્તી તરસતી, ભાજપના સભ્યો સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત અને પ્રજા રામભરોસે
છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા ગણાતા બોડેલીમાં ભર ઉનાળે વિકરાળ જળસંકટ ઊભું થયું છે. વણિયાદ્રી કેનાલ પાસે રિપેરિંગ કામ ચાલતું હોવાથી છેલ્લા બે દિવસથી નર્મદાનું ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળવાનું બંધ થઈ ગયું છે. જેના કારણે નગરમાં દરરોજ 40 લાખ લિટર પાણીની અછત સર્જાઈ છે. 25 હજારથી વધુની વસ્તી ધરાવતું બોડેલી હાલ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યું છે, ત્યારે વહીવટી તંત્રની નિષ્ફળતા સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અપક્ષ ઉમેદવારોએ ટેન્કરો મોકલ્યા
પાણીની આ તીવ્ર અછત વચ્ચે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. એકતરફ લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે, ત્યારે આરોપ છે કે ભાજપમાંથી ચૂંટાયેલા સભ્યો આગામી ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત હોવાથી પ્રજાને રામભરોસે છોડીને જતા રહ્યા છે. આ કપરી પરિસ્થિતિમાં અપક્ષ ઉમેદવારોએ માનવતા દાખવી પોતાના ખર્ચે પાણીના ટેન્કરો દોડાવી તરસ્યા નગરજનો સુધી પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. ઢોકલીયા, ચાચક અને ઝાખરપુરા જેવા વિસ્તારોમાં પીવાના પાણી માટે કકળાટ મચ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવ
બોડેલી નગરપાલિકા સંપૂર્ણપણે નર્મદાના પાણી પર નિર્ભર હોવાથી જ્યારે પણ કેનાલમાં રિપેરિંગ કે અન્ય ટેકનિકલ સમસ્યા સર્જાય છે, ત્યારે આખું નગર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. નગરપાલિકા પાસે પાણીના સંગ્રહ કે અન્ય કોઈ સ્ત્રોતનો વિકલ્પ ન હોવાથી લોકોની હાલત કફોડી બની છે. પાલિકા દ્વારા નામમાત્રના ટેન્કરો દોડાવવામાં આવી રહ્યા છે જે વસ્તીના પ્રમાણમાં ખુબ જ ઓછા છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જો વહેલી તકે પાણી પુરવઠો પૂર્વવત કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો