calendar_todayJanuary 23, 2026
Botad ટ્રાફિક પોલીસની લાલ આંખ: વાહનોમાં લગાડેલી ગેરકાયદે સફેદ LED લાઈટો ઉતારવા ખાસ ડ્રાઈવ
બોટાદ શહેરમાં વાહનચાલકો દ્વારા નિયમ વિરુદ્ધ લગાડવામાં આવતી સફેદ LED લાઈટોને કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવ્યું છે. બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ગેરકાયદે લાઈટો સામે એક વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વ્યસ્ત ગણાતા જ્યોતિગ્રામ સર્કલ અને એસ.ટી. ડેપો સહિતના વિવિધ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જ્યોતિગ્રામ સર્કલ, એસ.ટી. ડેપોમાં કાર્યવાહી
પોલીસ કાર્યવાહી દરમિયાન અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની વધારાની તીવ્ર સફેદ LED લાઈટો જોવા મળી હતી. ટ્રાફિક પોલીસની ટીમે સ્થળ પર જ આવા વાહનોમાંથી ગેરકાયદે લાઈટો ઉતારી લીધી હતી અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ્યો હતો. રાત્રિના સમયે આવી લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોમાં અંજાપો લાવતી હોય છે, જે ગંભીર અકસ્માતનું કારણ બને છે.
અનેક વાહનોમાંથી લાઈટો ઉતારી લેવામાં આવી
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોમાં નિયત ધોરણો કરતા વધુ તીવ્રતા વાળી લાઈટો લગાડવી એ ગુનો છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે તેઓ પોતાની અને અન્યોની સુરક્ષા માટે આવી લાઈટોનો ઉપયોગ ટાળે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઈવ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પોલીસે આપી છે. આ કામગીરીથી નિયમ ભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.