android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News: ખાખી બની 'સારથી', ગઢડા પોલીસે 12 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યો

calendar_todayFebruary 26, 2026

Botad News: ખાખી બની 'સારથી', ગઢડા પોલીસે 12 કિમી દૂર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીને પહોંચાડ્યો

આજે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ગઢડા પોલીસનો એક અત્યંત સરાહનીય અને સંવેદનશીલ ચહેરો સામે આવ્યો છે. એક વિદ્યાર્થી ભૂલથી પોતાના નિર્ધારિત કેન્દ્રથી 12 કિમી દૂર પહોંચી ગયો હતો, જેને ગઢડા પોલીસે સમયસર સાચા કેન્દ્ર પર પહોંચાડી તેનું વર્ષ બગડતા બચાવ્યું છે.

શિક્ષકોની સતર્કતા અને પોલીસની ત્વરિત કામગીરી

ઘટનાની મળતી માહિતી અનુસાર, ધોરણ 10નો એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ગઢડાની એમએમ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યો હતો. જોકે, જ્યારે શાળાના શિક્ષકોએ તેની હોલ ટિકિટ ચેક કરી ત્યારે જાણવા મળ્યું કે તેનો અસલી નંબર અહીં નહીં પણ 12 કિમી દૂર માલપરા ગામની વાત્સલ્ય સ્કૂલમાં છે. પરીક્ષાનો સમય નજીક હોવાથી વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો.

PSI જી. જે. ગોહિલ અને ટીમ બની 'દેવદૂત'

બરાબર એ જ સમયે ગઢડા પોલીસ સ્ટેશનના PSI જી. જે. ગોહિલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન એમએમ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજીને PSI ગોહિલે વિલંબ કર્યા વગર વિદ્યાર્થીને સાંત્વના આપી અને તેને પોતાની પોલીસ વાનમાં બેસાડ્યો હતો. પોલીસે સાયરન વગાડી રસ્તો ક્લિયર કરાવીને વિદ્યાર્થીને ગણતરીની મિનિટોમાં 12 કિમી દૂર માલપરા કેન્દ્ર પર પહોંચાડ્યો હતો.

પોલીસની આ ત્વરિત મદદને કારણે વિદ્યાર્થી સમયસર પરીક્ષા ખંડમાં બેસી શક્યો હતો. વિદ્યાર્થી અને તેના પરિવારજનોએ ગઢડા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ ખડેપગે રહીને ફરજ બજાવી રહી છે, જેની સરાહના સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Surat News: ટ્રાફિક પોલીસે માનવતા મહેકાવી, વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા