android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Botad News : પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદની DLSS ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન

calendar_todayJanuary 24, 2026

Botad News : પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદની DLSS ખેલાડીઓનું પ્રભાવશાળી પ્રદર્શન

ખેલ મહાકુંભના માધ્યમથી યુવાનોને આધુનિક તાલીમ, સ્પર્ધાત્મક વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું છે, જેનાં પરિણામે ગુજરાતનાં અનેક ખેલાડીઓ રાજ્ય અને દેશનું નામ ઉજાગર કરી રહ્યાં છે. આ જ શ્રેણીમાં બોટાદ જિલ્લાએ વધુ એક ગૌરવસભર સિદ્ધિ નોંધાવી છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી, બોટાદ સાથે સંલગ્ન ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS), શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદની અંડર–૧૪ બહેન ખેલાડીઓએ ખેલ મહાકુંભ–૨૦૨૫ અંતર્ગત રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર બોટાદ જિલ્લાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે.

બ્રોન્ઝ મેડલ મેળવી શાળાની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો

પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં અંડર–૧૪ એજ ગ્રુપમાં શાળાની કુલ ૧૨ બહેનોએ ભાગ લીધો હતો, જેમાંથી ૦૨ ગોલ્ડ, ૦૧ સિલ્વર અને ૦૪ બ્રોન્ઝ મળીને કુલ ૦૭ મેડલ પ્રાપ્ત થયા હતા. આ સિદ્ધિએ બોટાદ જિલ્લાની રમતગમત ક્ષેત્રે એક નવી ઓળખ ઉભી કરી છે અને નારી શક્તિ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સ્પર્ધામાં "મેર ક્રિષ્ના વલ્લભભાઈ" અને "રાઠોડ રિતિકાબા ધર્મેન્દ્રસિંહે" ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા, જ્યારે "મારુ જાસ્મિન લક્ષ્મણભાઈએ" સિલ્વર મેડલ જીત્યો હતો. સાથે જ "હોથ તાનીયા", "મેર નિધી", "રંગપરા હિરલ" અને "ચુડાસમા જીનલે" બ્રોન્ઝ મેડલ મેળવી શાળાની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

સ્પર્ધાની તૈયારી દરમિયાન દરરોજ નિયમિત રીતે 6 થી 8 કલાક કઠોર કસરત અને પ્રેક્ટિસ કરી હતી

આ શાનદાર સિદ્ધિ બદલ શાળાનાં પ્રમુખશ્રી મીતભાઈ લાડોલા, મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પ્રભુભાઈ ત્રાસડીયા, આચાર્યશ્રી સંજયભાઈ ધાધલ તથા સમગ્ર આદર્શ શૈક્ષણિક સંકુલ તરફથી તમામ ખેલાડીઓ તથા માર્ગદર્શકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. ખેલાડીઓની આ સફળતા પાછળ કુસ્તી કોચશ્રી, પરેશભાઈ કહાર તથા કુસ્તી ટ્રેનરશ્રી ભમ્મર માનસીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ખેલાડીઓએ રાજ્ય કક્ષાની સ્પર્ધાની તૈયારી દરમિયાન દરરોજ નિયમિત રીતે ૬ થી ૮ કલાક કઠોર કસરત અને પ્રેક્ટિસ કરી હતી.

ફિટનેસ ટ્રેનિંગ, સ્ટેમિના અને સ્ટ્રેન્થ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું

સાથે જ, કોચ દ્વારા આપવામાં આવેલ ટેકનિકલ માર્ગદર્શન, બાઉટ વિશ્લેષણ, યોગ્ય આહાર અને પૂરતો આરામ તેમની તૈયારીના મુખ્ય આધાર રહ્યાં હતાં. આ અવસરે ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર, રાજ્યનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ખેલ મહાકુંભ આયોજકો, જિલ્લા રમત વિકાસ અધિકારી બોટાદ, પોતાના કોચ, ટ્રેનર તથા શાળા સંચાલકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગથી ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાને રાજ્ય કક્ષાએ રજૂ કરવાની સુવર્ણ તક મળી.