calendar_todayMay 30, 2026
Botad News: સંવેદનશીલ વિસ્તારોમાં DYSP સહિતના કાફલાની વિશેષ કોમ્બિંગ ડ્રાઇવ
આગામી તહેવારો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાહતવરણમાં ઉજવાય તે હેતુથી બોટાદ પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે કમર કસવામાં આવી છે. બોટાદ શહેરના વિવિધ સંવેદનશીલ અને સેન્સિટિવ વિસ્તારોમાં પોલીસ દ્વારા એકાએક વિશેષ કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેણાંક મકાનો, વાહનો અને આશ્રયસ્થાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિસ્ટ્રીશીટર્સ અને બુટલેગરોના ઠેકાણા પર ઓચિંતો દરોડો
બોટાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ આ મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં ડીવાયએસપી સહિત 2 પીઆઈ, 4 પીએસઆઈ અને બોટાદ ટાઉન પોલીસના જવાનોને સાંકળીને કુલ 4 અલગ-અલગ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ શહેરના લિસ્ટેડ હિસ્ટ્રીશીટર્સ, એમસીઆર કાર્ડ હોલ્ડર્સ તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા નામચીન બુટલેગરોના અડ્ડાઓ પર જઈને ઓચિંતું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકો અને તેમના વાહનોની પણ સઘન તલાશી લેવામાં આવી હતી.
તાજપર સર્કલ સહિતના સેન્સિટિવ વિસ્તારો ધમધમ્યા
બોટાદ શહેરના તાજપર સર્કલ, સબીહા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, હરણકુઈ અને ખસ રોડ જેવા ભારે સંવેદનશીલ ગણાતા વિસ્તારોને આ કોમ્બિંગ ડ્રાઇવ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે બોટાદના ડીવાયએસપી મહર્ષિ રાવલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સુરક્ષા જળવાઈ રહે તે માટે આ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો