calendar_todayMay 1, 2026
Botad News: પાળિયાદમાં શિક્ષણના નવા દ્વાર ખુલશે, ITI શરૂ કરવા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કુમાર શાળાની લીધી મુલાકાત
બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે આજે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પાળિયાદ પંથકના યુવાનો માટે શિક્ષણ અને રોજગારીના નવા અવસરો ઉભા કરવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી.
ITI શરૂ કરવા માટે સ્થળ નિરીક્ષણ
પાળિયાદમાં લાંબા સમયથી ટેકનિકલ શિક્ષણની સુવિધાની જરૂરિયાત વર્તાઈ રહી છે. આ માગને ધ્યાને રાખીને, ગામમાં નવી આઈટીઆઈ શરૂ કરવા માટે મંત્રીએ સ્થાનિક કુમાર શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. સંભવિત સ્થળનું નિરીક્ષણ કરી તેમણે જરૂરી વ્યવસ્થાઓ અને સુવિધાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જો પાળિયાદમાં ITI શરૂ થાય તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને ઘરઆંગણે જ રોજગારલક્ષી શિક્ષણ મળી રહેશે.
ગામ પંચાયત કચેરી ખાતે સ્વાગત અને બેઠક
મંત્રીએ પાળિયાદ ગ્રામ પંચાયત કચેરીની પણ મુલાકાત લીધી હતી, જ્યાં સરપંચ વિજયભાઈ ખાચર દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંચાયત કચેરી ખાતે વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામના પ્રાથમિક પ્રશ્નો, માળખાગત સુવિધાઓ અને વિકાસના કામો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આ મુલાકાતથી પાળિયાદમાં આગામી સમયમાં શિક્ષણ અને વિકાસના નવા માર્ગો ખુલશે તેવી આશા ગ્રામજનોમાં જાગી છે.
આ પણ વાંચો - Botad : બરવાળાના રામપરા ગામે બાળકોની રમતમાં મોટો ડખો, એક જ સમાજના બે જૂથો વચ્ચે લાકડા-ધોકા ઉછળ્યા