android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Brics 2026: જિનપિંગ-મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજર, આ ખાસ મુદ્દા પર થશે વાતચીત

calendar_todaySeptember 12, 2026

Brics 2026: જિનપિંગ-મોદી સાથેની મુલાકાત પર દુનિયાની નજર, આ ખાસ મુદ્દા પર થશે વાતચીત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીમાં યોજાનારી 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી પહોંચ્યા છે. તેમનું પ્લેન પાલમ એરપોર્ટ પર લેન્ડ થયુ છે.  લગભગ સાત વર્ષમાં ભારતની આ તેમની પ્રથમ મુલાકાત છે. સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાનાર છે.

બ્રિક્સ સમિટમાં હાજરી આપવા આવ્યા શી જિનપિંગ 

ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે શીની સહભાગિતાની જાહેરાત કરી હતી અને પુષ્ટિ કરી હતી કે ચીનના રાષ્ટ્રપતિ વડાપ્રધાન મોદીના આમંત્રણ પર બે દિવસીય સમિટમાં હાજરી આપશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારત ગણરાજ્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 થી 13 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે.

400થી વધારે લોકો સાથે આવ્યા છે ભારત ? 

2020ની સરહદી અથડામણો અને ચાર વર્ષના સૈન્ય ગતિરોધ બાદ ભારત-ચીન સંબંધોમાં સુધારો થતો જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એક મોટા પ્રતિનિધિમંડળ સાથે ભારત આવી રહ્યા છે. બ્રિક્સ સમિટ અને આજે યોજાનારી દ્વિપક્ષીય વાતચીત માટે ચીનથી લગભગ 400 લોકોનું જૂથ આવી રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ 2019માં શી જિનપિંગ સાથે આવેલા પ્રતિનિધિમંડળ કરતાં ઘણું મોટું છે. તે સમયે 200થી ઓછા અધિકારીઓ સાથે હતા. સાત વર્ષ બાદ થઈ રહેલી શીની આ મુલાકાત 2020ની સરહદી અથડામણો પછી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


PM Modi સાથે ક્યારે કરશે બેઠક ? 

આજે વડાપ્રધાન મોદી ઇથોપિયા, મલેશિયા, વિયેતનામ અને ચીનના નેતાઓ તેમજ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી. ચીનના રાષ્ટ્રપતિ સાથેની તેમની દ્વિપક્ષીય વાતચીત સાંજે 5.45  વાગ્યે 'ભારત મંડપમ' ખાતે નિર્ધારિત છે. ચીનના રાષ્ટ્રપતિ આજે બપોરે 12.30  વાગ્યે દિલ્હી પહોંચશે. શી જિનપિંગ એરપોર્ટથી સીધા તેમની હોટેલ જશે અને બપોરે 2  વાગ્યાની આસપાસ 'ભારત મંડપમ' પહોંચે તેવી અપેક્ષા છે.

બપોરે 2.30  વાગ્યે બ્રિક્સ સમિટ શરૂ થશે. સાંજે 5.00 વાગ્યે બ્રિક્સ 'ફેમિલી ફોટો' સેશન યોજાશે. સાંજે 5:30 વાગ્યે, બ્રિક્સ (BRICS) નેતાઓ વૃક્ષારોપણ સમારોહમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ સાંજે 7:30 વાગ્યે વિશ્વના નેતાઓ માટે રાત્રિભોજનનું આયોજન કર્યું છે.

દ્વિપક્ષીય સંબંધો સ્થિર કરવાનો પ્રયાસ

શી (Xi) ની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન 2020માં ગલવાનમાં થયેલી ઘાતક અથડામણો બાદ તેમના દ્વિપક્ષીય સંબંધોને સ્થિર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભારતે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ અને પ્રગતિ માટેની મુખ્ય પૂર્વશરત છે.


વડાપ્રધાન મોદી અને શી વચ્ચે તાજેતરમાં બિશ્કેક ખાતે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન ટૂંકી વાતચીત થઈ હતી. હવે એવી પ્રબળ અપેક્ષા છે કે આ સપ્તાહના અંતે નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન બંને નેતાઓ વિગતવાર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

ચીનના રાજદૂતે શું કહ્યું ? 

દરમિયાન ભારતમાં ચીનના રાજદૂત ઝુ ફેઈહોંગે ​​જણાવ્યું હતું કે બેઇજિંગ અને નવી દિલ્હી શી અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક માટે તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો હતો કે બંને નેતાઓ દ્વારા આપવામાં આવેલા વ્યૂહાત્મક માર્ગદર્શનના અમલીકરણ માટે ચીન ભારત સાથે મળીને કામ કરશે.

શુક્રવારે, રાજદૂત ફેઈહોંગે ​​સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહ્યું, "ચીન અને ભારત રાષ્ટ્રપતિ શી અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠકનું આયોજન કરી રહ્યા છે. કઝાન (રશિયા) અને તિયાનજિન (ચીન) ખાતેની બેઠકો બાદ, આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે બંને નેતાઓ મુલાકાત કરશે."


ચીની રાજદૂતે વધુમાં ઉમેર્યું હતું કે, "ચીન બંને નેતાઓના વ્યૂહાત્મક માર્ગદર્શન પર અમલ કરવા, વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ અને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી દ્વિપક્ષીય સંબંધોનું સંચાલન કરવા, સંવાદ વધારવા, સહકાર મજબૂત કરવા, મતભેદોને યોગ્ય રીતે ઉકેલવા અને સારા પાડોશી તથા એકબીજાની સફળતામાં ભાગીદાર તરીકે મિત્રતા જાળવી રાખવા માટે ભારત સાથે કામ કરશે."

બ્રિક્સ સમિટમાં શીની સહભાગિતાથી બંને પક્ષોને ભારત-ચીન સંબંધોની વ્યાપક દિશા વિશે ચર્ચા કરવાની તક મળવાની અપેક્ષા છે, જેમાં સતત સંવાદ અને મતભેદોના સંચાલનનું મહત્વ પણ સામેલ છે.