calendar_todayOctober 24, 2026
Britainમાં શીખ બસ ડ્રાઇવર પર હુમલો, બિક્રમ સિંહ મજીઠિયાએ જયશંકરને કરી અપીલ
બ્રિટનના ટેલફોર્ડ શહેરના મેડલી વિસ્તારમાં એક શખ્સે ચાલુ બસમાં શીખ ડ્રાઇવર પર હુમલો કરી બસ હાઇજેક કરી લીધી હતી. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનામાં હુમલાખોરે ટિકિટ મશીનથી ડ્રાઇવર પર હુમલો કર્યો, તેની દાઢી ખેંચી અને માથા સાથે ટક્કર મારી હતી. ત્યારબાદ તે બસ લઈને ભાગ્યો હતો.
ટેલફોર્ડમાં ચાલુ બસમાં હુમલાખોરનો આતંક
આ ઘટના બ્રિટનના ટેલફોર્ડ શહેરના મેડલી વિસ્તારમાં આવેલા કોર્ટ સ્ટ્રીટની હોવાનું જણાવવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે આશરે 6 વાગ્યે ‘ટ્રાવેલ ટેલફોર્ડ’ની સિંગલ ડેકર બસમાં એક અજાણ્યા શખ્સે ફરજ પર હાજર શીખ ડ્રાઇવર પર હુમલો કર્યો હતો. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોર બસની કેબિનમાં ઘૂસીને ડ્રાઇવર સાથે મારપીટ કરતો દેખાય છે. હુમલો થતાં જ બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા. લોકો હુમલાખોરને રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા, જ્યારે રસ્તા પર ચાલતા લોકોને પણ દૂર હટી જવા માટે ચેતવવામાં આવી રહ્યા હતા. વીડિયોમાં ઘાયલ ડ્રાઇવર મુસાફરો પાસે ફોન માગીને પોલીસને બોલાવવા વિનંતી કરતો જોવા મળે છે. એક મહિલા હુમલાખોરને ડ્રાઇવરને છોડી દેવા માટે સતત બૂમો પાડતી રહી હતી. અન્ય મુસાફરોએ પણ હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ટિકિટ મશીન ઉખાડીને ડ્રાઇવર પર ફેંક્યું, દાઢી ખેંચી માથા સાથે ટક્કર મારી
પ્રત્યક્ષદર્શીઓ અને સામે આવેલા વીડિયો અનુસાર, હુમલાખોરે બસની ટિકિટ મશીન ઉખાડીને ડ્રાઇવર પર ફેંકી મારી હતી. ત્યારબાદ તેણે શીખ ડ્રાઇવરની દાઢી ખેંચી અને માથા સાથે જોરદાર ટક્કર મારી હતી. ડ્રાઇવર લાચાર બની જતાં હુમલાખોર પોતે ડ્રાઇવરની સીટ પર બેસી ગયો હતો અને બસ લઈને ત્યાંથી નીકળી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બસનો કબજો મેળવ્યા બાદ આરોપીએ તેને રસ્તા પર ખોટી દિશામાં દોડાવી હતી. આ દરમિયાન રસ્તામાં અનેક વાહનોને ટક્કર વાગી હતી. રસ્તાની બાજુમાં ઊભેલા લોકો ગભરાઈને બૂમો પાડવા લાગ્યા હતા અને બસને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ચાલુ બસમાં થયેલા હુમલા અને ત્યારબાદની આ ઘટનાથી રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
10 મિનિટમાં હથિયારધારી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ઘટનાની જાણ થતાં જ મેલિન્સગેટ પોલીસ સ્ટેશનની હથિયારધારી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બસને ઘેરી લીધી હતી અને પ્રથમ ઇમરજન્સી કોલ મળ્યાની આશરે 10 મિનિટમાં 33 વર્ષના આરોપીને ઝડપી પાડ્યો હતો. અહેવાલો અનુસાર, આરોપી સામે લૂંટ અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.
બિક્રમ સિંહ મજીઠિયાએ ઘટનાને ધાર્મિક ઓળખ પરનો હુમલો ગણાવ્યો
શિરોમણિ અકાલી દળના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાએ આ ઘટનાની નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હુમલાનો વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે 18 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડના ટેલફોર્ડમાં શીખ બસ ડ્રાઇવર પર થયેલો કથિત જાતિવાદી હુમલો ચિંતાજનક છે. મજીઠિયાના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર સાથે મારપીટ કરવામાં આવી, તેની દાઢી ખેંચવામાં આવી અને હુમલાખોરે બસ પર કબજો મેળવી અનેક વાહનોને ટક્કર મારી હતી. તેમણે આ ઘટનાને માત્ર એક ડ્રાઇવર પરનો હુમલો નહીં, પરંતુ શીખોની પાઘડી અને ધાર્મિક ઓળખને નિશાન બનાવતી ઘટના ગણાવી હતી.
બ્રિટિશ સરકાર પાસે તપાસની માગ, જયશંકરને પણ કરી અપીલ
મજીઠિયાએ બ્રિટિશ સરકારને સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ સભ્ય સમાજમાં જાતિવાદ કે કોઈની ધાર્મિક આસ્થા અને ઓળખને નિશાન બનાવતા હુમલાઓ માટે સ્થાન ન હોવું જોઈએ. આ ઉપરાંત તેમણે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દો તાત્કાલિક બ્રિટિશ અધિકારીઓ સમક્ષ ઉઠાવે અને વિદેશમાં રહેતા શીખ સમુદાયની સુરક્ષા તથા માન-સન્માન સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાય તે માટે રજૂઆત કરે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d