android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Britannia Whole Wheat Bread: બ્રેડમાં 100% ઘઉંનો દાવો, તપાસમાં નીકળ્યા માત્ર 62%! બ્રિટાનિયાને ₹1 લાખનો દંડ

calendar_todayOctober 26, 2026

Britannia Whole Wheat Bread: બ્રેડમાં 100% ઘઉંનો દાવો, તપાસમાં નીકળ્યા માત્ર 62%! બ્રિટાનિયાને ₹1 લાખનો દંડ

શું તમે પણ માનો છો કે બ્રિટાનિયાની 100% હોલ વ્હીટ બ્રેડ ખરેખર ઘઉંના લોટમાંથી જ બને છે? જો હા, તો આ સમાચાર તમારા માટે જ છે. CCPAએ કંપનીના આ દાવા સામે સવાલ ઉઠાવ્યો છે. એટલું જ નહીં, આ દાવાને ભ્રામક ગણાવી કંપની પર દંડ પણ ફટકાર્યો છે.

હકીકતમાં, CCPAએ ભ્રામક જાહેરાતના કારણે આ કાર્યવાહી કરી છે. બ્રેડના પેકેટ પર 100% હોલ વ્હીટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્પાદનમાં માત્ર 62% ઘઉંનો લોટ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

CCPAએ આદેશ જાહેર કર્યો

22 ઓક્ટોબરે જાહેર કરાયેલા આદેશમાં મુખ્ય કમિશનર નિધિ ખરેની અધ્યક્ષતાવાળી CCPAએ કંપનીને સોશિયલ મીડિયા સહિત તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાંથી આ જાહેરાત તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. કંપનીને 15 દિવસમાં આદેશના પાલન અંગેનો અહેવાલ રજૂ કરવા પણ કહેવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે આ મામલે કોઈ ગ્રાહકે ફરિયાદ કરી નહોતી. CCPAએ પોતે જ કંપનીની જાહેરાતો પર ધ્યાન આપીને આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી.

આદેશમાં શું કહેવામાં આવ્યું છે?

આદેશ અનુસાર, બ્રેડમાં માત્ર 62% હોલ વ્હીટ એટલે કે ઘઉંનો લોટ હતો, જ્યારે બાકીના 38% ભાગમાં રાઇસ બ્રાન એટલે કે ચોખાનું થૂલું અને અન્ય ઘટકો સામેલ હતાં.

પેકેટ પર ‘100%’ લખીને કરવામાં આવેલો દાવો પ્રથમ દૃષ્ટિએ જ ભ્રામક જણાય છે, કારણ કે તેનાથી ગ્રાહકોને એવું લાગે છે કે બ્રેડ સંપૂર્ણપણે ઘઉંના લોટમાંથી બનાવવામાં આવી છે. તપાસ દરમિયાન કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે તેની ‘100% હોલ વ્હીટ બ્રેડ’માં માત્ર 62% ઘઉંનો લોટ હતો.

CCPAએ નોંધ્યું કે આ હકીકત હોવા છતાં કંપનીએ 100% હોલ વ્હીટ હોવાનો દાવો કર્યો હતો. સત્તાધિકારીએ આને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા સમાન ગણાવ્યું છે.

આદેશમાં વધુમાં જણાવાયું છે કે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન્સ, 2018’ હેઠળ ‘હોલ વ્હીટ’ શબ્દની આગળ ‘100%’ લગાવવાની કોઈ જોગવાઈ નથી. તેથી કોઈ ઉત્પાદનને ‘100% હોલ વ્હીટ’ ગણાવવું ગ્રાહક સંરક્ષણ અધિનિયમ, 2019 હેઠળ ભ્રામક દાવાની શ્રેણીમાં આવે છે.

બ્રિટાનિયા પર 1 લાખ રૂપિયાનો દંડ

આવા દાવાને લઈને CCPAએ બ્રિટાનિયા પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ કંપનીને તમામ જાહેરાતો અને બ્રેડનાં પેકેટ પરથી ‘100%’ હોવાનો દાવો તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.