android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Cancerની દવાઓ પર આટલો મોટો નફો કેમ? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પર ભડકી

calendar_todayOctober 27, 2026

Cancerની દવાઓ પર આટલો મોટો નફો કેમ? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પર ભડકી

કેન્સરની દવાઓના ભાવ અને તેના પરના નફાના માર્જિનને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સખત સવાલો કર્યા છે. દવાઓની MRP અને રિટેલર ભાવ વચ્ચેના મોટા તફાવત અંગેની સુનાવણી દરમિયાન અદાલતે પૂછ્યું કે કેન્સરની દવાઓના નફાના માર્જિન પર મર્યાદા નક્કી કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દર્દીઓના હિતને વેપારી હિતની સરખામણીમાં ઓછું મહત્ત્વ આપી શકાય નહીં.

ભારતમાં દુનિયાના અન્ય દેશો કરતા ઓછી કિંમત

ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની પીઠ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ દલીલ કરી હતી કે ભારતમાં દવાઓની કિંમત દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં સૌથી ઓછી છે. જોકે, પીઠે આ દલીલ સામે સવાલ ઉઠાવ્યો. કોર્ટે કહ્યું કે માત્ર દવાઓની ઓછી કિંમતની વાત ન કરવી જોઈએ. જો આ મુદ્દે ચર્ચા કરવી હોય તો ભારતની ઓછી માથાદીઠ આવક સહિત અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ ટિપ્પણી દ્વારા અદાલતે દવાઓની કિંમતનું મૂલ્યાંકન માત્ર બજારભાવના આધારે નહીં, પરંતુ સામાન્ય નાગરિકની ખરીદશક્તિને ધ્યાનમાં રાખીને કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું.

‘આ કોઈ રોકેટ સાયન્સ નથી’

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ સંદીપ મહેતાએ સવાલ કર્યો કે કેન્સરની દવાઓના પ્રોફિટ માર્જિન પર મર્યાદા નક્કી કરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે? તેમણે ટિપ્પણી કરી કે આ કોઈ ‘રોકેટ સાયન્સ’ નથી. સાથે જ પીઠે પૂછ્યું કે તમામ દવાઓના ભાવ પર મર્યાદા કેમ ન નક્કી કરી શકાય? આ સવાલો પાછળનો મુખ્ય મુદ્દો એ છે કે ગંભીર બીમારીઓની સારવાર માટે દર્દીઓ અને તેમનાં પરિવારોને ઘણી વખત મોટો ખર્ચ ઉઠાવવો પડે છે. દવાની કંપની પાસેથી મળતી કિંમત અને ગ્રાહકને વેચાતી કિંમત વચ્ચેનો મોટો તફાવત હોય તો તેની અસર દર્દીના ખિસ્સા પર પડી શકે છે.

‘દર્દીઓને વેપારની સામે ન તોલો’

કેન્દ્ર સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે બજારને પોતાની રીતે નિયંત્રણ સ્થાપિત કરવાની તક આપવી જોઈએ. સાથે જ તબીબી અને દવા ઉદ્યોગના વિકાસને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. આ દલીલના જવાબમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે સરકાર માત્ર વેપારની વાત કરી રહી છે. અદાલતે કહ્યું, ‘દર્દીઓને કોમર્સની સામે ન તોલો.’ આ ટિપ્પણીથી સ્પષ્ટ થયું કે દવાઓના ભાવ નક્કી કરતી વખતે ઉદ્યોગના વિકાસની સાથે દર્દીઓની પહોંચ અને સારવારના ખર્ચને પણ મહત્ત્વ આપવું જરૂરી છે.

સુનાવણી બાદ પીઠે આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો છે. હવે અદાલતનો અંતિમ આદેશ શું આવે છે અને દવાઓના ભાવ તથા નફાના માર્જિન અંગે કઈ દિશા નક્કી થાય છે, તેના પર નજર રહેશે. કેન્સરની સારવાર લાંબી અને ખર્ચાળ બની શકે છે. આવી સ્થિતિમાં દવાઓના ભાવ પર નિયંત્રણ અને દર્દીઓને પોસાય તેવી સારવાર ઉપલબ્ધ કરાવવાનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

આ પણ વાંચો: Sonia Gandhi: 'મારી આત્મકથા આવશે ત્યારે તમાશો થવાનો જ છે!' 544 પાનાનાં સોનિયા ગાંધીનાં પુસ્તકમાં શું છે ખાસ?