calendar_todayJuly 14, 2026
CBSE નો મોટો નિર્ણય, ધોરણ ૯ અને ૧૦ માં હવે 'થર્ડ લેંગ્વેજ' માં પાસ થવું ફરજિયાત
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના અમલીકરણના ભાગરૂપે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શાળાકીય શિક્ષણમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. તાજેતરના પરિપત્ર મુજબ, હવે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે તેમની 'ત્રીજી ભાષા' (R3) માં આંતરિક મૂલ્યાંકન પાસ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ 2027-28 શૈક્ષણિક સત્રથી પૂર્ણપણે અમલી બનશે.
ત્રીજી ભાષા માટે કોઇ લેખિત પરીક્ષા નહી લેવાય
આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બહુભાષીતાને પ્રોત્સાહન આપવાનો અને ભારતીય ભાષાઓનું જતન કરવાનો છે. મહત્વની વાત એ છે કે, ત્રીજી ભાષા માટે કોઈ લેખિત બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં; તે સંપૂર્ણપણે શાળા-સ્તરના આંતરિક મૂલ્યાંકન પર આધારિત રહેશે. જોકે, આ મૂલ્યાંકન પાસ કરવું ધોરણ 10 નું પાસ પ્રમાણપત્ર મેળવવા માટે અનિવાર્ય છે. એટલે કે, જો કોઈ વિદ્યાર્થી આ આંતરિક મૂલ્યાંકનમાં નિષ્ફળ જશે, તો તેને 10મા ધોરણની સફળતાનું સર્ટિફિકેટ નહીં મળે.
ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે અપાઇ છે થોડી છૂટછાટ
ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આ નિયમમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ 9 માં ત્રીજી ભાષાના આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થાય, તો પણ તેને ધોરણ 10 માં બઢતી આપવામાં આવશે. પરંતુ, તેમણે ધોરણ 10 દરમિયાન આ 'બેકલોગ' સાફ કરવો પડશે અને પરીક્ષા પાસ કરવી પડશે. આ ફેરફાર 2026-27 માં ધોરણ 9 અને 2027-28માં ધોરણ 10 માં પ્રવેશતા વિદ્યાર્થીઓને લાગુ પડશે.
ધોરણ 6 થી 'ત્રણ-ભાષા ફોર્મ્યુલા' લાગુ કરાશે
વધુમાં, ધોરણ 6 થી 'ત્રણ-ભાષા ફોર્મ્યુલા' લાગુ કરવામાં આવશે, જેમાં ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓનો અભ્યાસ ફરજિયાત રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશી ભાષા શીખી રહ્યા છે, તેઓ તેને ચાલુ રાખી શકશે પરંતુ સાથે એક ભારતીય ભાષા શીખવી પણ જરૂરી બનશે. આ અંગે કેટલીક કાયદાકીય મડાગાંઠ પણ જોવા મળી રહી છે, જેને લઈને શિક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણ નીતિ લાગુ કરવાનો કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંપૂર્ણ અધિકાર છે.
આ પગલું ભવિષ્ય માટે ફાયદાકારક
સરકારનું માનવું છે કે આ પગલાંથી બાળકોના બૌદ્ધિક વિકાસમાં વધારો થશે અને સાંસ્કૃતિક વિવિધતા જળવાઈ રહેશે. જોકે, CBSE એ હજુ એ સ્પષ્ટતા કરવાની બાકી છે કે જો અંતિમ બોર્ડ પરિણામ સુધી વિદ્યાર્થી બેકલોગ ક્લિયર ન કરી શકે તો બોર્ડની આગળની કાર્યવાહી શું હશે. હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આ ફેરફારોને સમજવા અને તે મુજબ તૈયારી કરવી અનિવાર્ય બની ગઈ છે.
આ પણ વાંચોઃ Iran US: હોર્મુઝમાં નવી જંગ શરૂ, અમેરિકાના 'કોર્સેર USV' એ બદલી નાખ્યું યુદ્ધનું ગણિત