calendar_todayOctober 26, 2026
Char Dham Yatra 2026: ચારધામ દર્શન માટે રહ્યા ગણતરીના દિવસો, આ તારીખે થશે ચારેય ધામોને કપાટ બંધ
ઉત્તરાખંડમાં દર વર્ષે યોજાતી પવિત્ર ચાર ધામ યાત્રા 2026 હવે તેના આખરી ચરણમાં પહોંચી ગઈ છે. શિયાળાની શરૂઆત થતાં જ હિમાલયની ઉંચાઈઓ પર સ્થિત ચાર પવિત્ર ધામોના દરવાજા (કપાટ) આગામી શિયાળુ સત્ર માટે બંધ કરી દેવામાં આવશે. જો તમે પણ આ વર્ષે દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારી પાસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. હવામાન અને ધાર્મિક તિથિઓ અનુસાર નવેમ્બર 2026 ના મધ્ય સુધીમાં તમામ ચાર ધામોના કપાટ અલગ-અલગ શુભ મુહૂર્તમાં બંધ કરવામાં આવશે.
કપાટ બંધ થવાની તારીખો અને સમય
યાત્રાળુઓની સુવિધા માટે ચારેય ધામોના દરવાજા બંધ થવાનું સમયપત્રક જારી કરવામાં આવ્યું છે:
ગંગોત્રી ધામ: 10 નવેમ્બર,2026 ના રોજ બપોરે 12.05 વાગ્યે કપાટ બંધ થશે.
કેદારનાથ ધામ: 11 નવેમ્બર, 2026 ના રોજ સવારે 8.30 વાગ્યે કપાટ બંધ થશે.
યમુનોત્રી ધામ:11 નવેમ્બર, 2026 ના રોજ ભાઈબીજના પવિત્ર પર્વે સવારે 10.28 વાગ્યે દરવાજા બંધ થશે.
બદ્રીનાથ ધામ: 16 નવેમ્બર, 2026 ના રોજ રાત્રે 9.37 વાગ્યે આખરી વિધિ સાથે કપાટ બંધ થશે.
યાત્રાનો પરંપરાગત અને યોગ્ય ક્રમ
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચોક્કસ ક્રમમાં જ પૂર્ણ કરવાનો મહિમા છે:
1. યમુનોત્રી ધામ (ઉત્તરકાશી): યાત્રાની શરૂઆત દેવી યમુનાના દર્શનથી થાય છે, જે સુખ-સમૃદ્ધિ આપે છે.
2. ગંગોત્રી ધામ (ઉત્તરકાશી): બીજો પડાવ મોક્ષદાયિની માતા ગંગાનું ધામ છે, જ્યાં પૂજા કરવાથી પાપોથી મુક્તિ મળે છે.
3. કેદારનાથ ધામ (રુદ્રપ્રયાગ): ત્રીજો પડાવ ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામનો છે.
4. બદ્રીનાથ ધામ (ચમોલી): યાત્રાનો અંતિમ પડાવ ભગવાન વિષ્ણુના બદ્રી નારાયણ સ્વરૂપનું ધામ છે, જ્યાં દર્શનથી યાત્રા પૂર્ણ થાય છે.
ચક્રધામ યાત્રાનું ધાર્મિક મહત્વ
સનાતન ધર્મમાં ચાર ધામ યાત્રાનું અત્યંત વિશેષ સ્થાન છે. એવી માન્યતા છે કે સાચા હૃદયથી કરવામાં આવેલી આ યાત્રાથી વ્યક્તિને આત્મશુદ્ધિ, મનની શાંતિ અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મળે છે. વિકટ પર્વતીય માર્ગો અને વિષમ હવામાન છતાં દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર ધામોમાં શ્રદ્ધાસુમન અર્પિત કરવા આવે છે. શિયાળા દરમિયાન કપાટ બંધ થયા બાદ ભગવાનની પૂજા નીચલા સ્થળોએ (શીતકાલીન પ્રવાસ) કરવામાં આવે છે.