android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhatisgarh Naxals Encounter : સુકમામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ ઠાર

calendar_todayJanuary 3, 2026

Chhatisgarh Naxals Encounter : સુકમામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 12 નક્સલીઓ ઠાર

છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલવાદ સામે સુરક્ષા દળોને મોટી અને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સુકમાના કિસ્તારામ વિસ્તારમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનોએ 12 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઘટના રાજ્યમાં નક્સલવાદ સામે ચાલી રહેલી કાર્યવાહી માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

નક્સલીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરક્ષા દળોને કિસ્તારામ વિસ્તારમાં નક્સલીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણના માર્ગદર્શન હેઠળ DRGની એક વિશેષ ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. વહેલી સવારે જવાનો જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં નક્સલીઓ છુપાયેલા હતા.

સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ 

સર્ચ ઓપરેશન દરમિયાન અચાનક નક્સલીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. જવાબમાં જવાનોએ પણ મોરચો સંભાળી લીધો. બંને પક્ષો વચ્ચે ભારે ગોળીબાર થયો, જે લગભગ એક કલાક સુધી ચાલ્યો. આ એન્કાઉન્ટર બાદ 12 નક્સલીઓના મૃતદેહો ઘટનાસ્થળેથી મળી આવ્યા હતા. સુરક્ષા દળોએ ત્યાંથી AK-47 અને INSAS રાઈફલ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા છે.

કોન્ટા એરિયા કમિટીમાં સક્રિય માઓવાદી વેટ્ટી 

આ એન્કાઉન્ટરમાં કોન્ટા એરિયા કમિટીમાં સક્રિય માઓવાદી વેટ્ટી મુકા ઉર્ફે માંગડુ પણ માર્યો ગયો છે. માંગડુ સુકમા જિલ્લાના ગોગુડા ગામનો રહેવાસી હતો અને છેલ્લા ઘણા વર્ષોથી માઓવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. તે કોન્ટા એરિયા કમિટીના સેક્રેટરી તરીકે કાર્યરત હતો અને અનેક નક્સલી હુમલાઓમાં સંડોવાયેલો હતો. વહીવટીતંત્રએ તેના પર 8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ઓપરેશન ખૂબ જ સાવચેતીપૂર્વક

સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન ખૂબ જ સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર બાદ પણ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે, જેથી કોઈ નક્સલી ભાગી ન શકે. અધિકારીઓનું માનવું છે કે વિસ્તારમાં હજી કેટલાક નક્સલીઓ છુપાયેલા હોઈ શકે છે, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા પણ નકારી શકાય નહીં.

સ્થાનિક લોકોમાં રાહત

આ સફળતા બાદ સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. નક્સલવાદથી લાંબા સમયથી પીડિત આ વિસ્તારમાં સુરક્ષા દળોની આ કાર્યવાહીથી શાંતિ સ્થાપિત થવાની આશા જાગી છે. રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓએ જવાનોની બહાદુરીને સલામ કરી છે અને નક્સલવાદ સામે આવી જ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. 


આ પણ વાંચો : Jabalpur Tension: ભજીયા ઠંડા કેમ છ? ગ્રાહકે આટલુ કહેતા જ શરૂ થયો વિવાદ.. જૈન સમાજ આવી ગયો મેદાને, જાણો સમગ્ર મામલો