calendar_todayJanuary 17, 2026
Chhota Udaipur News : નસવાડીમાં શિક્ષણ રામભરોસે, રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં બે દિવસથી શિક્ષક ગુલ્લી પર!
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષણની કથળતી જતી સ્થિતિનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. અહીંની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી એક પણ શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ શાળામાં કુલ 53 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમના માટે માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. કમનસીબી એ છે કે આ એકમાત્ર શિક્ષક પણ છેલ્લા બે દિવસથી ગેરહાજર રહેતા બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે અને શાળા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે.
ગ્રામજનોમાં ભારે રોષ
સરકારના નિયમ મુજબ દર 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો અનિવાર્ય છે, પરંતુ રામાપ્રસાદી શાળામાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે. પૂરતા સ્ટાફના અભાવે અને હાલના શિક્ષકની બેદરકારીને કારણે આદિવાસી વિસ્તારના બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો તાત્કાલિક ધોરણે અહીં કાયમી અને નિયમિત શિક્ષકની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ ગંભીર બાબતે શું પગલાં ભરે છે.
આ પણ વાંચો : Rajkot News : પૂર્વ ધારાસભ્ય ચંદુ વઘાસીયાના પુત્રની ધરપકડ, રૂ. 47 લાખના કૌભાંડમાં ધવલ જેલહવાલે