android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepurના દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યા 5 મેડલ

calendar_todayFebruary 10, 2026

Chhota Udepurના દિવ્યાંગ ખેલાડીઓએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું નામ રોશન કર્યું, નેશનલ ચેમ્પિયનશીપમાં મેળવ્યા 5 મેડલ

છોટાઉદેપુર જિલ્લાના મનો દિવ્યાંગ ખેલાડીઓએ પોતાની મર્યાદાઓને માત આપી રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. હરિયાણાના રોહતક ખાતે યોજાયેલ ‘સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત નેશનલ ચેમ્પિયનશીપ એથ્લેટિક્સ’માં છોટાઉદેપુરના 2 ખેલાડીઓએ કુલ 5 મેડલ જીતીને સમગ્ર ગુજરાત રાજ્ય અને છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે કરવામાં આવી

સમગ્ર શિક્ષા સમાવેશી શિક્ષણ શાખા અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આ ખેલાડીઓ નેશનલ કક્ષા સુધી પહોંચ્યા હતા. જબુગામ ખાતે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ હિંમતનગર ખાતે રાજ્ય કક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં પ્રથમ નંબર મેળવ્યા બાદ તેમની પસંદગી રાષ્ટ્રીય કક્ષા માટે કરવામાં આવી હતી.

આ ભવ્ય સફળતા બદલ જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જસવંતકુમાર પરમાર, જિલ્લા રમત ગમત અધિકારી વિક્રમભાઈ ભીલ અને મદદનીશ જિલ્લા I.E.D. કો-ઓર્ડિનેટર દિનેશ બામણીયાએ ખેલાડીઓને બિરદાવ્યા હતા.

ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શિક્ષક પ્રદીપભાઈ ડાભી, સુબોધભાઈ ડાયરા તેમજ સમગ્ર I.E.D. ટીમ અને સ્પેશિયલ એજ્યુકેટર્સને પણ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ સિદ્ધિએ સાબિત કરી દીધું છે કે જો તક અને પ્રોત્સાહન મળે તો દિવ્યાંગ બાળકો પણ દેશના વિકાસ અને રમતગમત ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપી શકે છે.

1. ચારણ પ્રવીણ રાજુભાઈ

400 મીટર દોડ: ગોલ્ડ મેડલ (પ્રથમ ક્રમાંક)

રિલે દોડ: ગોલ્ડ મેડલ (પ્રથમ ક્રમાંક)

200 મીટર દોડ: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક)

2. રાઠવા ઉર્મિલા સંજયભાઈ

ગોળા ફેંક: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક)

લાંબી કૂદ: બ્રોન્ઝ મેડલ (તૃતીય ક્રમાંક)

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ