android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chhota Udepur News: લીઝ માફિયાઓના પાપે 13 વર્ષની માસૂમનું મોત

calendar_todayJanuary 14, 2026

Chhota Udepur News: લીઝ માફિયાઓના પાપે 13 વર્ષની માસૂમનું મોત

છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામ પાસે આવેલી સુખી નદીમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદીના પટમાં ચાલતી લીઝના ઊંડા ખાડામાં ડૂબી જવાથી ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં લીઝ માફિયાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રમતી વખતે કાળ આંબી ગયો

ઘટનાની મળતી માહિતી અનુસાર, ગંભીરપુરા ગામમાં રહેતા સંજયભાઈ રાઠવાની 13 વર્ષીય પુત્રી કોમલબેન રાઠવા આજે સુખી નદીના કિનારે રમી રહી હતી. રમતા-રમતા અચાનક તેણીનો પગ લપસતા તે નદીના પટમાં લીઝ દ્વારા ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં પડી ગઈ હતી. ખાડો પાણીથી ભરેલો હોવાથી અને વધુ ઊંડો હોવાથી માસૂમ બાળકી બહાર નીકળી શકી ન હતી અને તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

લીઝ માફિયાઓ સામે આક્ષેપ

આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, લીઝ માફિયાઓ દ્વારા નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે નદીમાં અત્યંત ઊંડા ખાડા ખોદવામાં આવે છે. રેતી ખનનની લાલચમાં ખોદાયેલા આ ખાડાઓ હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા આજે એક માસૂમનો ભોગ લેવાયો છે.

કાયદેસરની કાર્યવાહીની માગ

બાળકીના મોતથી રોષે ભરાયેલા ગ્રામજનોએ માગ કરી છે કે, તત્કાલિક ધોરણે આ લીઝની માપણી કરવામાં આવે અને જવાબદાર લીઝ માલિક સામે કાયદેસરનો ગુનો નોંધી સખત કાર્યવાહી કરવામાં આવે. હાલ પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Chhota Udepur News: કાર દુકાનમાં ઘુસી, સરપંચની નેમ પ્લેટ અને દારૂના ગ્લાસ મળ્યા