android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

calendar_todaySeptember 9, 2026

Chotila: ચોટીલા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ 27 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; પોલીસ બેડામાં ખળભળાટ

ચોટીલા ખાતે આવેલી પોલીસ લાઈન અને પોલીસ સ્ટેશન પરિસરમાં લાંચ રુશવત વિરોધી બ્યુરો (ACB) એ મોટી કાર્યવાહી કરી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયા સામે જુગારના એક કેસમાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના બદલામાં રૂ. 27,000 ની લાંચ માગવાનો ગંભીર આક્ષેપ થયો હતો.

જુગારના કેસમાં જામીન માટે લાંચની માગણી

અધિકારી દ્વારા વારંવાર કરવામાં આવતી લાંચની માગણીથી કંટાળીને જાગૃત નાગરિકે તાત્કાલિક ACB ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી રાજકોટની ટીમે ચોટીલા ખાતે લાંચનું છટકું ગોઠવવાની યોજના બનાવી હતી.ગોઠવેલી યોજના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી D-સ્ટાફ ઓફિસ સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. નાગરિક પાસેથી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઈ જીડિયાએ રૂ. 27,000 ની લાંચની રકમ સ્વીકારતાં જ આસપાસ ગોઠવાયેલી ACB રાજકોટની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

જયસુખ જીડિયા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાયો

ACB એ સ્થળ પરથી જ લાંચની સમગ્ર રૂ. 27,000 ની રકમ કબ્જે કરી લીધી હતી. સરકારી ચોપડે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આરોપી હેડ કોન્સ્ટેબલ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશન પરિસરમાં જ બનેલી આ ઘટનાને પગલે ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Amreli: મોટા આંકડિયાથી 5 વર્ષના બાળકના અપહરણનો કેસ 15 કલાકમાં ઉકેલાયો, પોલીસે 170 CCTV ઝીણવટભરી રીતે ચકાસ્યા