calendar_todayOctober 24, 2026
Chotilaના વેલાળા ગામે વહીવટી તંત્રના વહેલી સવારે આકસ્મિક દરોડા, ગેરકાયદેસર કોલસાના 4 કુવા ઝડપાયા!
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વેલાળા (સા) ગામે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન સામે લાલ આંખ કરવામાં આવી છે. નાયબ કલેક્ટરની સઘન ટીમ દ્વારા વહેલી સવારે કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં સરકારી જમીન પર ધમધમતા ગેરકાયદેસર કોલસાના 4 કુવાઓ પકડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ભારે નાસભાગ અને ફફડાટ ફેલાઈ ગયો છે.
નાયબ કલેક્ટરની આગેવાનીમાં દરોડા
ચોટીલાના નાયબ કલેક્ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે આજે સવારે ૬ વાગ્યે વીડવાળી સરકારી જમીન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ચલાવવામાં આવતા ચાર કોલસાના કુવાઓ મળી આવ્યા હતા. તંત્રની આ કડક અને સાહસિક પગલાંવાળી કામગીરીથી ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓમાં દોડધામ મચી ગઈ હતી અને અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાખો રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ દરોડા દરમિયાન સ્થળ પરથી 3 ટ્રેક્ટર, 4 ચરખી, 4 બકેટ અને 2 કમ્પ્રેશન મશીન સહિત કુલ રૂ.27,00,000નો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા તમામ સાધનોને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ આ ગેરકાયદેસર ખનન કયા ઇસમો દ્વારા કરવામાં આવતું હતું તેની ઓળખ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.