calendar_todayOctober 25, 2026
Chotila: PGVCL નો હેલ્પર 60 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો; મીટર ઉતારી દંડ ન કરવા માંગી હતી લાંચ
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા સરકારી કર્મચારીઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ચોટીલા ગ્રામ્ય-2 PGVCL સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-4 ના હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજીયાને જાગૃત નાગરિક પાસેથી ₹૬૦,૦૦૦ ની રોકડ લાંચ સ્વીકારતા રાજકોટ ગ્રામ્ય ACB ની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાડીના વીજ કનેક્શનનું મીટર ઉતારી લઈ મોટો દંડ ન ફટકારવા પેટે આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
મીટર ઉતારી દંડની ધમકી આપી 70 હજારની માંગણી કરી હતી
બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર એક જાગૃત નાગરિકની વાડીએ લાગેલું PGVCL નું મીટર ઉતારી લેવામાં આવ્યું હતું અને તેમની સામે વીજ ચોરી કે નિયમભંગનો મોટો દંડ ન ફટકારવા તેમજ સમાધાન કરી આપવા બદલ આરોપી હેલ્પર બીપીનભાઈ પારેજીયા (ઉંમર વર્ષ ૩૩) એ રૂપિયા ૭૦,૦૦૦ ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે આરોપી હેલ્પર ₹60,000 રોકડા સ્વીકારવા તૈયાર થયો હતો.ખેડૂત કે નાગરિક લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર સામે લડત આપવાનો નિર્ધાર કરી તાત્કાલિક લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) નો સંપર્ક સાધ્યો હતો અને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
કચેરીમાં જ છટકું ગોઠવાયું
નાગરિકની ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય ACB ની ટીમે પૂરતા આયોજન સાથે ચોટીલા ગ્રામ્ય-૨ PGVCL કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું.આયોજન મુજબ, ફરિયાદી જ્યારે આરોપી બીપીનભાઈ પારેજીયાને નક્કી થયેલી લાંચ પેટે ₹60,000 રોકડા આપવા ગયા અને આરોપીએ લાંચની રકમ સ્વીકારી, ત્યારે જ પહેલેથી વોચમાં રહેલી ACB ની ટીમે તેને સ્થળ પર જ રંગેહાથ દબોચી લીધો હતો.ACB એ આરોપી પાસેથી ₹60,000 ની લાંચની રોકડ રકમ રિકવર કરી તેની અટકાયત કરી છે.આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની સંપત્તિ તેમજ આ ષડયંત્રમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે લાઇનમેનની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.