calendar_todaySeptember 7, 2026
Court Bomb threat Case: અમદાવાદ-સુરત કોર્ટને બોમ્બની ધમકી આપવાના કેસમાં 2 ઝડપાયા
અમદાવાદ અને સુરતની અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મોકલવાના સનસનાટીભર્યા મામલામાં અમદાવાદ સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે ત્વરિત કાર્યવાહી કરીને તામિલનાડુના ચેન્નાઈ શહેર ખાતેથી ૨ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
RDX બ્લાસ્ટ અંગે મોકલ્યો હતો ધમકીભર્યો મેઈલ
બે દિવસ પહેલા અમદાવાદ અને સુરતની કોર્ટને લક્ષ્ય બનાવીને RDX વડે બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકી આપતો ઈમેલ કરવામાં આવ્યો હતો. આ ધમકીના કારણે સુરક્ષા એજન્સીઓ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો તુર્ત જ હરકતમાં આવી ગયો હતો અને કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયબર ક્રાઈમે ઈમેલના IP એડ્રેસના આધારે તપાસ તેજ કરી હતી.
કોર્ટ સામે ખુન્નસ રાખીને બદલો લેવા કર્યું કૃત્ય
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ અગાઉ NDPS (નાર્કોટિક્સ) ના ગંભીર ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓને અદાલતી કાર્યવાહી અને કેસ સંદર્ભે કોર્ટ પ્રત્યે ભારે ખુન્નસ (અદાવત) હતી, જેના લીધે બદલો લેવાની ભાવનાથી તેમણે આ ધમકીભર્યો મેઈલ કરીને સન્નાટો મચાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક આરોપી પેરોલ જમ્પ હોવાનો પણ ખુલાસો
ધરપકડ કરાયેલા બંને ગુનેગારો પૈકી એક આરોપી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર એટલે કે પેરોલ જમ્પ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાયબર ક્રાઈમે બંને આરોપીઓને અમદાવાદ લાવીને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Ahmedabad News: ઘી કાંટા મેટ્રો કોર્ટને મળી બોમ્બની ધમકી