calendar_todayOctober 27, 2026
Cyclone Arnab: રાત્રે 2થી 4 વાગ્યાની વચ્ચે ત્રાટકશે ચક્રવાત! 150 કિમીની ઝડપે ફૂંકાશે પવન
બંગાળની ખાડીમાં સર્જાયેલું અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન ‘અર્નબ’ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. IMDના તાજા અપડેટ મુજબ, ચક્રવાત 28 ઑક્ટોબરની વહેલી સવારે 2થી 4 વાગ્યાની વચ્ચે આંધ્રપ્રદેશ અને યાનમના કિનારે ત્રાટકી શકે છે. અગાઉ બપોર સુધીમાં લેન્ડફોલની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તોફાનની ઝડપી ગતિને કારણે હવે તે વહેલું કિનારે પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. તાજા અહેવાલ મુજબ, ચક્રવાત સાથે પવનની મહત્તમ ઝડપ 125થી 135 કિમી પ્રતિ કલાક રહેવાની અને ઝાપટામાં 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, તોફાની પવન અને જનજીવન ખોરવાવાની આશંકા છે.
ક્યાં ટકરાશે ચક્રવાત અર્નબ?
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ચક્રવાત આંધ્રપ્રદેશ અને યાનમના દરિયાકાંઠે બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે, યાનમની દક્ષિણે કિનારો ઓળંગી શકે છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ઓડિશામાં ભારે વરસાદની શક્યતા હોવાથી વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વિશાખાપટ્ટનમ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળીના તાર તૂટવા અને વીજપુરવઠો ખોરવાવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. માછીમારો અને દરિયાકાંઠે રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ચક્રવાતનો સામનો કરવા આંધ્રપ્રદેશ અને ઓડિશામાં રાહત તથા બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યા છે. મંગળવારે આંધ્રપ્રદેશમાં ઓછામાં ઓછા 89,000 લોકોને જોખમી દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ખસેડવામાં આવ્યા હતા. ઓડિશામાં પણ હજારો લોકોને ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી હતી. ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને વિમાનસેવાઓ અને રેલવે વ્યવહાર પર પણ અસર પડી છે. કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને મુસાફરોને મુસાફરી પહેલાં સંબંધિત એરલાઇનની નવીનતમ માહિતી તપાસવાની સલાહ આપવામાં આવી છે.
લોકોને શું સાવચેતી રાખવી જોઈએ?
ચક્રવાતને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સ્થાનિક વહીવટીતંત્ર અને IMDની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અધિકારીઓની સૂચના મળે તો વિલંબ કર્યા વિના સુરક્ષિત આશ્રયસ્થાનમાં જવું જોઈએ. વીજળીના તૂટેલા તાર, પાણી ભરાયેલા રસ્તા અને દરિયાકિનારાથી દૂર રહેવું પણ જરૂરી છે.
ચક્રવાતનો માર્ગ અને લેન્ડફોલનો સમય બદલાઈ શકે છે. તેથી લોકો માત્ર અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે હવામાન વિભાગ અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન તંત્રના સત્તાવાર અપડેટ પર નજર રાખે.
આ પણ વાંચો: Cancerની દવાઓ પર આટલો મોટો નફો કેમ? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર પર ભડકી