calendar_todayOctober 27, 2026
Cyclone Arnab: ચક્રવાત' અર્નબ'નો મહાખતરો, 5 રાજ્યોમાં હાઈ એલર્ટ અને 53 ટ્રેનો રદ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' હવે વધુ મજબૂત બનીને અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ મુજબ, આ વાવાઝોડું ઝડપથી પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટકે તેવી પૂરેપૂરી સંભાવના છે. 'અર્નબ' હાલ વિશાખાપટ્ટનમથી આશરે 490 કિમી, કાકીનાડાથી 560 કિમી અને બાપટલાથી 730 કિમી દૂર છે. તે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના દરિયાકાંઠા તથા યાનમ નજીકથી પસાર થાય તેવી શક્યતા છે. લેન્ડફોલ (જમીન સાથે અથડાતી) વખતે પવનની સરેરાશ ઝડપ 115 થી 125 કિમી પ્રતિ કલાક રહેશે, જે વધીને 140 કિમી પ્રતિ કલાકની ઝડપે મિની-વાવાઝોડાનું રૂપ લઈ શકે છે.
5 રાજ્યોમાં હાઈ એલર્ટ અને રાહત કામગીરીની તૈયારીઓ
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો હરકતમાં આવી ગઈ છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં કટોકટી જેવી સ્થિતિ જાહેર કરીને 'હાઈ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભારે વરસાદની શક્યતાને પગલે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશના સ્થાનિક વહીવટીતંત્રને પણ સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
=" target="_blank">
=
દરિયામાં ન જવાની અપાઇ સૂચના
માછીમારોને 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દરિયામાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે. કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવામાં આવી છે. તમામ અધિકારીઓને જાનમાલનું નુકસાન અટકાવવા અને વીજળી, પાણી તથા સંદેશાવ્યવહાર જેવી આવશ્યક સેવાઓ જાળવી રાખવા નિર્દેશ અપાયા છે.
રેલ સેવા પર અસર અને રાહત દળોની તૈનાતી
દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતીના ભાગરૂપે 27 અને 28 ઓક્ટોબરે દોડનારી ૫૩ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વિજયવાડા, રાજમુન્દ્રી, વિશાખાપટ્ટનમ, કાકીનાડા અને ગુંટુર જેવા મહત્વના રેલવે સ્ટેશનોને જોડતા રૂટ સામેલ છે.
પરિસ્થિતિને પહોંચી વળવા ટીમ તૈનાત
કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની અનેક ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ ભારતીય સેના, નૌકાદળ (Navy), વાયુસેના (Air Force) અને કોસ્ટ ગાર્ડને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય અને એનડીએમએ (NDMA) સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચોઃ Guwahati Firing: આસામના ગુવાહાટીમાં ફાયરિંગની ઘટના! 5 લોકોનાં મોત, 5 ઘાયલ