android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dabhoi: રેલવે સ્ટેશને ફૂટબ્રિજ પર સેફ્ટી સાધનો વિના કામ કરતા મજૂર

calendar_todayAugust 29, 2026

Dabhoi: રેલવે સ્ટેશને ફૂટબ્રિજ પર સેફ્ટી સાધનો વિના કામ કરતા મજૂર

ડભોઇ રેલવે સ્ટેશન ખાતે ઘણા સમયથી ચાલતા રેલવે ફૂટ ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં કોન્ટ્રાક્ટર અને રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં 40થી 50 ફૂટ જેટલી જોખમી ઊંચાઈએ કામ કરી રહેલા શ્રમિકો કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો વિના કામ કરવા મજબૂર બન્યાં છે. શ્રમિકોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવા છતાં રેલવે વિભાગ કે, સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે.

ઓવરબ્રિજની ઊંચાઈ પર કામ કરતા કર્મચારીઓ પાસે સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ (હાર્નેસ), રેડિયમ જેકેટ કે સેફ્ટી શૂઝ જેવા પ્રાથમિક સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ નથી. શ્રમ કાયદા અને કન્સ્ટ્રક્શન સેફ્ટીના નિયમો અનુસાર ઊંચાઈ પર કામ કરતા પ્રત્યેક મજૂર માટે સુરક્ષા કવચ ફરજિયાત છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને કામ કરાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ રેલવે બ્રિજની કામગીરી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં બે મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. છતાં કોન્ટ્રાક્ટર કે રેલવે વહીવટીતંત્રે આ ગંભીર ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો નથી. જો ઊંચાઈ પરથી કોઈ મજૂર નીચે પટકાય અને કોઈ અઘટિત ઘટના કે જાનહાનિ થાય, તો તેનો જવાબદાર કોણ રહેશે ? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ? તેવા અનેક સવાલો સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે. કોઈ નિર્દોષ શ્રમિકનો ભોગ લેવાય તે પહેલાં રેલવે તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ તપાસ કરે તે અત્યંત જરૂરી બન્યું છે. તમામ શ્રમિકોને નિયમ મુજબના સેફ્ટી ગિયર્સ પૂરા પાડવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવા લોકમાગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો