android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dabhoi: ફરતીકુઇથી વેગા સુધીનો ધોરીમાર્ગ માત્ર 30 દિવસમાં તૂટવા માંડયો

calendar_todayAugust 29, 2026

Dabhoi: ફરતીકુઇથી વેગા સુધીનો ધોરીમાર્ગ માત્ર 30 દિવસમાં તૂટવા માંડયો

ડભોઇ ફરતીકૂઈથી વેગા સુધી તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા માર્ગે પહેલા જ મહિને દમ તોડી દીધો છે. માત્ર એક મહિના અગાઉ જ તૈયાર થયેલા આ ડામર રોડ પરથી ડામર ગાયબ થયો છે. ઠેર-ઠેર કાંકરીઓ ઉખડીને મોટા ખાડા પડી જતાં માર્ગની હાલત અત્યંત દયનીય બની છે. કોન્ટ્રાક્ટર દ્વારા વાપરેલા હલકી કક્ષાના મટીરીયલ અને તંત્રની બેદરકારીને કારણે સરકારના લાખો-કરોડો રૂપિયા પાણીમાં ગયા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આ માર્ગ વિશ્વપ્રસિદ્ધ SOU તરફ્ જતો મુખ્ય રસ્તો હોવાથી અહીંથી રોજના હજારો વાહનો, એસટી બસો અને વીઆઈપી કોન્વોય પસાર થાય છે. રસ્તા પર પથરાયેલી કપચી-કાંકરીઓને કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જ્યારે વાહનોના ટાયરોમાંથી ઉડતી કાંકરીઓ અન્ય વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, જ્યારે આ માર્ગનું નિર્માણ કાર્ય ચાલતું હતું. ત્યારે માર્ગ અને મકાન વિભાગનો કોઈ જવાબદાર એન્જિનિયર કે સરકારી અધિકારી સ્થળ પર હાજર રહેતો નહોતો. સુપરવિઝનના અભાવે કોન્ટ્રાક્ટરે મનફાવે તેમ ગુણવત્તા વગરનું હલકું મટીરીયલ વાપરીને કામ પતાવી દીધું હતું. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કથિત મિલીભગતનો ભોગ સામાન્ય જનતા અને કરદાતા બની રહ્યાં છે. માત્ર 30 દિવસમાં જ બિસ્માર બનેલા આ રસ્તાના સેમ્પલ લઈને ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા તપાસ કરવા, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવા અને તાત્કાલિક ધોરણે સમગ્ર માર્ગનું ફરીથી યોગ્ય ગુણવત્તા સાથે રીસર્ફેસિંગ કરવા સ્થાનિકો અને વાહનચાલકોની પ્રબળ માગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો