calendar_todayJanuary 3, 2026
Dabhoi News: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ AAPના નેતા સાથે દેખાતા વીડિયો થયો વાયરલ
વડોદરા જિલ્લાના ડભોઈ રાજકારણમાં અત્યારે ભારે હડકંપ મચી ગયો છે. ડભોઈ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અશ્વિનભાઈનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ આમ આદમી પાર્ટીના નેતા સાથે જોવા મળી રહ્યા છે. આ ઘટનાને પગલે ભાજપના આંતરિક વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. સીમળીયા બેઠક પરથી ચૂંટાયેલા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા અશ્વિનભાઈ, આમ આદમી પાર્ટીની સભાના આયોજક પ્રવીણ તડવી સાથે સભાસ્થળ પર જતા નજરે પડ્યા છે.
ભાજપ ઉપપ્રમુખ અશ્વિનનો AAP નેતા સાથેનો વીડિયો
વીડિયોમાં જે પ્રકારે તેઓ વિપક્ષના નેતાઓ સાથે ધરોબો કેળવતા જોવા મળે છે, તેનાથી એવી આશંકા સેવાઈ રહી છે કે તેઓ 'પાછલી બારીએ' આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે અશ્વિનભાઈના પોતાના જ ગામના અનેક ભાજપના કાર્યકરો તાજેતરમાં કેસરીયો છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
AAP ના સભાસ્થળે જતો ભાજપ ઉપ પ્રમુખનો વીડિયો
આવા સમયે ખુદ ભાજપના દિગ્ગજ નેતા વિરોધ પક્ષના આયોજકો સાથે અંદરખાને મિટિંગો કરતા અને સભાના સ્થળે ફરતા દેખાતા પક્ષની શિસ્ત સામે સવાલો ઉભા થયા છે. આ વીડિયો વાયરલ થતા ડભોઈ પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ મામલે પોતાના પદાધિકારી સામે કોઈ શિસ્તભંગના પગલાં લે છે કે કેમ.