calendar_todayApril 3, 2026
Dahegam News: ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમાસમી વરસાદ
ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકના વાતાવરણમાં આજે સાંજના સમયે અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભરઉનાળે સર્જાયેલા આ ચોમાસા જેવા માહોલને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ સાથે જ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી છે.
ભારે પવન સાથે ધોધમાર વરસાદ
દહેગામ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ હતી. ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેને પગલે સ્થાનિકોને અંધારપટનો સામનો કરવો પડ્યો છે. વીજ તંત્ર દ્વારા મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ પવનની ગતિ વધુ હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે.
ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
આ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ઉનાળુ પાકને આ માવઠાથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ, ગરમીથી અકળાયેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી કેટલાક કલાકો સુધી દહેગામ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની શક્યતા રહેલી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો