calendar_todayMarch 27, 2026
Dahod: દારૂ ભરેલા એક્ટિવાને અજાણ્યા વાહને ઠોકર મારી, રસ્તા પર દારૂની રેલમછેલ અને 1નું મોત
જિલ્લાના ગરબાડા ચોકડી પાસે મોડી રાત્રે એક સનસનાટીભર્યા હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક્ટિવા પર દારૂની હેરાફેરી કરી રહેલા બે યુવકોને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.
દાહોદમાં હિટ એન્ડ રનમાં 1નું મોત
મળતી માહિતી મુજબ, બે યુવકો પોતાના એક્ટિવા સ્કૂટર પર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો લઈને ગરબાડા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા પર સવાર યુવકો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો.
રસ્તા પર દારૂની રેલમછેલ
અકસ્માતને પગલે એક્ટિવા પર રાખેલી દારૂની બોટલો રોડ પર ફૂટી ગઈ હતી, જેના કારણે ગરબાડા ચોકડી પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ જતાં અકસ્માતની સાથે સાથે દારૂની હેરાફેરીનો મામલો પણ પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Vadodara: સેન્ટ્રલ જેલમાં કેદીએ બીજા કેદી પર જીવલેણ હુમલો, પતરાની પટ્ટી પેટમાં આરપાર થઈ ગઈ