calendar_todaySeptember 10, 2026
Dahodમાં સોલાર પેનલના નામે રૂ.19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, સાયબર પોલીસે ફરીદાબાદથી આરોપીને દબોચ્યો
દાહોદના એક વેપારી સાથે સોલાર પેનલના નામે રૂ. 19.94 લાખની મોટી ઓનલાઈન છેતરપિંડી આચરાઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ગઠિયાઓએ ઇન્સ્ટાગ્રામ પર સસ્તા ભાવે સોલાર પેનલ આપવાની લોભામણી લાલચ આપીને વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ ઠગબાજોએ બોગસ જીએસટી (GST) નંબર અને ખોટા ઇન્વોઇસ બતાવીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવી લીધા હતા. છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ વેપારીએ દાહોદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
હરિયાણાના ફરીદાબાદમાં દરોડો
વેપારીની ફરિયાદના આધારે દાહોદ સાયબર પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ અને સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસના તાર હરિયાણા સુધી લંબાતાં પોલીસે ફરીદાબાદ ખાતે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મૂળ દિલ્હીના રહેવાસી એવા આરોપી અમનકુમાર રાજુકુમારની ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસરના ગુના હેઠળ અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરાઈ હતી.
દાહોદ સાયબર પોલીસે પૂરેપૂરી રકમ રૂ.19.94 લાખ રિકવર કરી
દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી દાખવતાં છેતરાયેલા વેપારીના પૂરેપૂરા રૂ. 19,94,175/- રિકવર કરી લીધા છે, જેથી વેપારીએ રાહતનો શ્વાસ લીધો છે. પોલીસની આ ત્વરિત કામગીરીથી સાયબર ગુનેગારોમાં ફાળ પડી છે. હાલમાં પોલીસે આ ગુનામાં વપરાયેલા અન્ય બેંક ખાતાઓ અને આ કૌભાંડમાં સામેલ અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે વધુ ઊંડાણપૂર્વક તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો : Amreliના ખાંભા ગીર પંથકમાં મેઘરાજાનું આગમન, ભાડ ગામે વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદ