calendar_todayJanuary 8, 2026
Dahod:જિલ્લા પોલીસે વર્ષ 2025માં હત્યાના 6 અનડિટેક્ટ ગુના ઉકેલ્યાં
પંચમહાલ રેન્જ આઈ.જી આર.વી. અસારીના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના નિરીક્ષણમાં દાહોદ જિલ્લા પોલીસે વર્ષ-2025 દરમિયાન વિવિધ ગુના ઉકેલવામાં સફ્ળતા મેળવી છે. જેના પરિણામે જિલ્લામાં વર્ષોથી અનડિટેક્ટ ગુનાઓ પણ ઉકેલાયા છે.
વર્ષ 2025માં દાહોદ જિલ્લામાં બનેલા હત્યાના 6 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલી કુલ 16 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અનડિટેક્ટ ધાડ, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગુનાઓ સહિત કુલ 109 ગુનાઓ શોધી કાઢી રૂા.62,84,367નો મુદ્દામાલ રિકવર કરી કુલ 226 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આમલી ખજુરીયા, વડવા, માતવા તથા બીલીયા ચડ્ડી-બનિયાન ગેંગના સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 15 ગુનાઓ શોધી પિસ્ટલ (માઉઝર), રિવોલ્વર તથા દેશી બનાવટના કટ્ટા સહિત કુલ 15 હથિયારો સાથે 22 આરોપીઓને ઝડપી પાડયા છે. વોન્ટેડ પૈકી 20 વર્ષ ઉપરના 3, 15 વર્ષ ઉપરના 2 તથા 10 વર્ષ ઉપરના 9 મળી કુલ 262 આરોપીઓ ઝડપાયા છે. જિલ્લામાં કુલ 23 PCR વાન GPS સિસ્ટમથી સજ્જ છે, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સાયબર ફ્રોડ, મોબાઇલ, વાહનો તથા રોકડ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ રિક્વર કરી મુળ માલિકોને પરત કરાયો છે. તાલીમ વર્ગોમાં 200 તાલીમાર્થીને ફીઝિકલ ટ્રેનિંગ તથા ઇન્ડોર તાલીમ આપવામાં આવી રહી છે. રેન્જ વડાના સુપરવિઝન હેઠળ સંવાદથી સહકાર એક અતુટ વિશ્વાસ કાર્યક્રમ હેઠળ રાત્રી સભાઓ કરી લોકોની મુશ્કેલીઓ જાણી તેમને કાયદાકીય સૂચનો પણ અપાયા છે.
નશાના કારોબાર પર કાયદાનો કોરડો વીંઝાયો
દારુના 21 હજારથી વધારે ગુનાઓ નોંધી રૂા.25.67 કરોડથી વધુનો દારૂ તેમજ 16 કરોડ થી વધુની કિમતના વાહનો જપ્ત કરી 6 હજારથી વધારે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે. રૂા.11.73 કરોડથી વધુ કિમતના દારૂના જથ્થાનો નાશ કરાયો છે. NDPS એક્ટ મુજબ કુલ 32 ગુનાઓમાં જપ્ત કરાયેલ રૂા.2.24 કરોડથી વધુની કિમતનો ગાંજો, અફીણના પોષડોડા જેવા નશીલા પદાર્થોનો નાશ કરાયો. દારૂની હેરાફેરી કરનાર 21 ઇસમોને પાસામાં અને 23 અસામાજિક તત્વોને તડીપાર કરાયા છે.
તીસરી આંખ નેત્રમનો કમાલ
નેત્રમ સેન્ટર દ્વારા ગંભીર તથા અકસ્માત સંબંધિત વણશોધાયેલા કુલ 48 ગુનાઓ CCTV કેમેરાથી ઉકેલાયા. ટ્રાફ્કિ નિયમ ભંગ બદલ કુલ રૂા.1,32,158ના ઇ-ચલણ ઇસ્યુ કરતા નેત્રમ ટીમને રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. SHE Team દ્વારા મહીલા સુરક્ષા માટે સશક્તિકરણ માટે અલગ-અલગ ઔદ્યોગિક સંસ્થા તેમજ ગામોમા મુલાકાત લઇ મહિલાઓને જાગૃત કરાઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો