android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dahod News: રળિયાતીમાં ભંગાર ચોરીની ના પાડતા ચોકીદારની હત્યા, CCTVના આધારે હત્યારો દ્રિપલ અમલીયાર જેલના સળિયા પાછળ

calendar_todayMay 8, 2026

Dahod News: રળિયાતીમાં ભંગાર ચોરીની ના પાડતા ચોકીદારની હત્યા, CCTVના આધારે હત્યારો દ્રિપલ અમલીયાર જેલના સળિયા પાછળ

દાહોદ જિલ્લાના રળિયાતી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પર થયેલી ચોકીદારની હત્યાના ભેદનો પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ લાવી દીધો છે. ભંગાર ચોરી કરવા આવેલા શખ્સે રોકટોક કરતા ઉશ્કેરાઈ જઈને ચોકીદાર પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

ભંગાર ચોરવા આવ્યો હતો હત્યારો

ઘટનાની મળતી માહિતી અનુસાર, રળિયાતી ખાતેની બાંધકામ સાઇટ પર દ્રિપલ કાળુભાઈ અમલીયાર નામનો શખ્સ લોખંડના ભંગારના ટુકડા ચોરી કરવાના ઈરાદે આવ્યો હતો. આ સમયે ત્યાં ફરજ બજાવતા ચોકીદાર મનુભાઈએ તેને ચોરી કરતા અટકાવ્યો હતો અને ત્યાંથી જતા રહેવા માટે કહ્યું હતું. ચોરીમાં અવરોધ ઊભો થતા દ્રિપલ ઉશ્કેરાઈ ગયો હતો.

પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી

આરોપી દ્રિપલે ઉશ્કેરાટમાં આવી નજીકમાં પડેલા પથ્થરના ઘા ચોકીદાર મનુભાઈને ઝીંકી દીધા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે ચોકીદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

CCTV અને ટેકનિકલ સોર્સથી પકડાયો

હત્યાની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પુરાવાઓના આધારે પોલીસે આરોપી દ્રિપલ અમલીયારને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો