android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ

calendar_todayJanuary 5, 2026

Daman: ખાનગી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, 15થી વધુ ફાયર ફાઈટરોની મદદથી મેળવાયો કાબૂ

સંઘપ્રદેશ દમણના ડાબેલ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પવનની તેજ ગતિના કારણે આગ એટલી વિકરાળ બની હતી કે તેણે બાજુમાં આવેલી અન્ય એક કંપનીને પણ લપેટમાં લીધી હતી. આખરે 'બ્રિગેડ કોલ' જાહેર કરી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

ભારે પવનને કારણે આગ બેકાબૂ બની

ઘટનાની વિગત મુજબ, ડાબેલ ખાતે આવેલી એસ. પેકેજિંગ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. પેકેજિંગ મટીરીયલ હોવાને કારણે અને તે સમયે ફૂંકાઈ રહેલા ભારે પવનને લીધે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા બે કિલોમીટર દૂરથી પણ આકાશમાં જોઈ શકાતા હતા.

બ્રિગેડ કોલ જાહેર કરી આગ પર કાબૂ

આગની ગંભીરતાને જોતા તંત્ર દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે માત્ર દમણ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ દમણ, સેલવાસ, વાપી અને સરીગામના 15થી વધુ સરકારી ફાયર ફાઈટરો અને કેટલીક ખાનગી કંપનીઓના ફાયર એન્જિનો બોલાવવામાં આવી હતી.

આગ પર પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડી

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પવન સતત દિશા બદલી રહ્યો હતો અને તેની ગતિ તેજ હોવાથી પાણીનો મારો ચલાવવામાં મુશ્કેલી પડી રહી હતી. આગ બાજુમાં આવેલી બીજી કંપની સુધી પણ ફેલાઈ ગઈ હતી, જેના કારણે નુકસાનનો આંકડો વધવાની ભીતિ છે. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

આ પણ વાંચો:આઇશર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, ટેમ્પો ચોરી કરી અંકલેશ્વરમાં કટિંગ કરી વેચતા 5 શખ્સો ઝડપાયા