android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

calendar_todaySeptember 4, 2026

Dangમાં મોટી હોનારત ટળી, સાપુતારા જતી લક્ઝરી બસ રિવર્સમાં ખાડામાં ખાબકી, 54 મુસાફરોનો ચમત્કારિક બચાવ!

જન્માષ્ટમીના પાવન પર્વ અને મિની વેકેશનની રજાઓની ઉજવણી કરવા માટે અમદાવાદથી ગિરિમથક સાપુતારા તરફ જઈ રહેલા પ્રવાસીઓની લક્ઝરી બસને ડાંગ જિલ્લામાં અકસ્માત નડ્યો છે. અમદાવાદથી સાપુતારા સહેલગાહે આવી રહેલી 'રાજ ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસ સામગહાન-માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હતો. તહેવારના માહોલ વચ્ચે પ્રવાસીઓ ઉત્સાહભેર મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક માર્ગ પર અકસ્માત સર્જાતાં વાતાવરણ ગંભીર બની ગયું હતું.

ચઢાણમાં બસ બંધ પડતાં રિવર્સમાં ધસી અને ખાડામાં ઉતરી ગઈ

અકસ્માતની વિગતો મુજબ, સામગહાન-માલેગામ હાઈવે પરના ઘાટ માર્ગ પર ચઢાણ ચઢતી વખતે રાજ ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ એકાએક બંધ પડી ગઈ હતી. બસ બંધ થતાં જ તે ન્યૂટ્રલ થઈને પૂરપાટ ઝડપે રિવર્સમાં પાછળ તરફ ધસી ગઈ હતી. માર્ગની સાઈડમાં આવેલા ખાડામાં બસ ઊંધી ઉતરી ગઈ હતી, પરંતુ સદનસીબે રોડ કિનારે આવેલી એક મજબૂત ભેખડ સાથે બસ જોરદાર અથડાઈને અટકી ગઈ હતી. જો બસ ભેખડ સાથે અથડાઈને રોકાઈ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

54 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ, પરિવારોએ લીધો રાહતનો શ્વાસ

બસ એકાએક રિવર્સમાં ધસીને ખાડામાં ઉતરી જતાં અંદર સવાર પ્રવાસીઓમાં ભારે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસ ભેખડ ટેકો બની જતાં રોકાઈ જવાથી લક્ઝરી બસમાં સવાર તમામ 54 મુસાફરોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો છે. આ બનાવમાં કોઈ પણ મુસાફરને ગંભીર ઈજા કે જાનહાનિ ન થતાં પ્રવાસીઓ તેમજ તેમના પરિવારજનોએ ઈશ્વરનો આભાર માનીને રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Ahmedabadના ઓઢવમાં સ્પાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર! ક્રાઈમ બ્રાન્ચે રૂ.6.38 લાખના મેફેડ્રોન સાથે 23 વર્ષીય યુવકને દબોચ્યો