calendar_todayOctober 24, 2026
Delhiની હવા સાફ કરવા નવી ટેક્નોલોજી, પ્રદૂષણનાં મૂળ સુધી પહોંચશે વૈજ્ઞાનિક સિસ્ટમ
દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા વૈજ્ઞાનિકોએ આધુનિક ટેક્નોલોજી આધારિત સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમથી પ્રદૂષણનાં મુખ્ય સ્ત્રોતોનું રિયલ ટાઇમમાં મૂલ્યાંકન કરી શકાશે અને હવાની ગુણવત્તાની આગાહી કરવામાં પણ મદદ મળશે.
પ્રદૂષણ ક્યાંથી ફેલાય છે તે જાણી શકાશે
કેન્દ્રીય મંત્રી સ્વતંત્ર પ્રભાર જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે દિલ્હી એરોસોલ લેબોરેટરી દ્વારા PM2.5 પ્રદૂષણનાં અલગ-અલગ સ્ત્રોતો ઓળખવા માટે રિયલ ટાઇમ સોર્સ એપોર્શનમેન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં હવામાં રહેલા કણોની રાસાયણિક રચના, કાર્બનયુક્ત કણો અને વિવિધ તત્ત્વોનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ ટેક્નોલોજીની મદદથી વાહનોના ધુમાડા, બાયોમાસ બાળવું, કોલસાનું દહન, ઔદ્યોગિક ઉત્સર્જન, રસ્તાની ધૂળ અને કચરો બાળવાથી થતા પ્રદૂષણની ઓળખ કરવામાં મદદ મળશે. મંત્રીએ IITM દિલ્હી ખાતે અટલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરતી વખતે આ માહિતી આપી હતી.
AIRWISE સિસ્ટમ કેવી રીતે મદદ કરશે?
પ્રદૂષણની આગાહીથી લઈને નિયંત્રણનાં પગલાં સુધી, તંત્રને મળશે સમયસર માહિતી એટલે કે, AIRWISE (Air Quality Warning and Integrated Decision Support System for Emissions) બીજી મહત્વપૂર્ણ સિસ્ટમ છે. તેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રોપિકલ મિટિયોરોલોજી સંસ્થા (IITM) દ્વારા ભારત હવામાન વિભાગ (IMD)ના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ પ્રદૂષણની આગાહી કરવા, તેના સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવા અને સમયસર નિયંત્રણનાં પગલાં લેવામાં મદદ કરે છે.
400 મીટર સુધીની ઊંચાઈએ હવાની ગુણવત્તાનું અનુમાન
AIRWISE દ્વારા આશરે 400 મીટરની ઊંચાઈ સુધી હવાની ગુણવત્તાની આગાહી અને સ્થાનિક સ્તરે પ્રદૂષણના આકલન અંગે માહિતી આપવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પ્રદૂષણ વધવાની શક્યતા અંગે વહીવટીતંત્રને અગાઉથી સાવચેત કરવાનો છે. સાથે જ, પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં પણ આ સિસ્ટમ મદદરૂપ બને છે.
પ્રદૂષણ નિયંત્રણ માટેની વ્યૂહરચના બનાવવામાં મળશે મદદ
નિષ્ણાતોના મતે, પ્રદૂષણના સ્ત્રોતોની ચોક્કસ ઓળખ થવાથી વાહનો, ઉદ્યોગો, રસ્તાઓની ધૂળ અને પરાળી અથવા અન્ય જૈવિક પદાર્થો બાળવાથી થતા પ્રદૂષણને રોકવા માટે લક્ષિત કાર્યવાહી કરી શકાશે. તેનાથી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સુધારવા માટે વૈજ્ઞાનિક આંકડાઓના આધારે નીતિઓ બનાવવામાં મદદ મળશે. આ બંને વૈજ્ઞાનિક સિસ્ટમનો મુખ્ય હેતુ દિલ્હીમાં પ્રદૂષણના સ્ત્રોતોનું મૂલ્યાંકન કરવું, હવાની ગુણવત્તાની આગાહી કરવી અને નિયંત્રણનાં પગલાંને વધુ અસરકારક બનાવવાનો છે. જોકે, હવાની ગુણવત્તામાં વાસ્તવિક સુધારો કેટલો થાય છે તે મળેલા આંકડાઓના આધારે વહીવટીતંત્ર કેટલી અસરકારક અને સમયસર કાર્યવાહી કરે છે તેના પર નિર્ભર રહેશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d