android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ

calendar_todayJanuary 11, 2026

Delhiમાં તાપમાન 2.9 ડિગ્રી, શિયાળાએ તોડ્યા રેકોર્ડ

ઉત્તર ભારત હાલમાં ભયંકર ઠંડીની ચપેટમાં છે. શિયાળાની આ લહેરે સામાન્ય જનજીવનને અસર પહોંચાડી છે. ખાસ કરીને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આ વખતે સૌથી વધુ ઠંડી અનુભવી રહી છે. રવિવાર, 11 જાન્યુઆરીએ દિલ્હીના આયાનગર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન માત્ર 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ ગણાયો છે.

દિલ્હીના અન્ય વિસ્તારોમાં

દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ તાપમાન ખૂબ જ નીચા સ્તરે રહ્યું. પાલમમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી, લોધી રોડ પર 4.6 ડિગ્રી અને સફદરજંગમાં 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. વહેલી સવાર અને મોડા સાંજના સમયે ઠંડી એટલી વધી જાય છે કે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ઠંડીથી બચવા માટે લોકો રસ્તા કિનારે અને ખુલ્લા વિસ્તારોમાં આગ તાપતા જોવા મળે છે.

લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ

દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, ઉત્તરાખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. રવિવારે રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. સીકર 1.7 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યું.

 પંતનગરમાં તાપમાન 1.8 ડિગ્રી

ઉત્તરાખંડના પંતનગરમાં તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું, જે તેને દેશનું ત્રીજું સૌથી ઠંડુ શહેર બનાવે છે. આ સિવાય રાજસ્થાનના ચુરુમાં 2.0 ડિગ્રી અને હરિયાણાના હિસારમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હજી થોડા દિવસો સુધી કડકડતી ઠંડી યથાવત રહી શકે છે. ધુમ્મસ અને ઠંડા પવનોને કારણે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને વધારે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકો ગરમ કપડાં પહેરે, અનાવશ્યક મુસાફરી ટાળે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખે તેવી અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : India : કડકડતી ઠંડીનો પ્રભાવ, નોઈડામાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ