calendar_todaySeptember 15, 2026
Delhi : પાકિસ્તાનની 2 બ્યુટી ક્રીમ સામે ભારતે આપ્યું હેલ્થ એલર્ટ, CDSCOએ વેચાણ અને ઉપયોગથી દૂર રહેવા આપી ચેતવણી
ભારતમાં પાકિસ્તાનથી આયાત થતા બે બ્યુટી પ્રોડક્ટ્સને લઈને જાહેર આરોગ્ય ચેતવણી જારી કરવામાં આવી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ની કોસ્મેટિક ડિવિઝને ‘ગોરી બ્યુટી ક્રીમ’ અને ‘ચાંદની વ્હાઇટનિંગ ક્રીમ’ને ભારતમાં વેચાણ માટે અનધિકૃત જાહેર કરી છે.
ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી શકાતી નથી
CDSCOના જણાવ્યા મુજબ, બંને પ્રોડક્ટ્સ માટે ભારતમાં ઇમ્પોર્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું નથી. તેથી આ ક્રીમને ભારતમાં કાયદેસર રીતે વેચી કે વિતરીત કરી શકાતી નથી.
હેવી મેટલ્સની વધુ માત્રા મળ્યાનો અહેવાલ
રિપોર્ટ્સ અનુસાર, તપાસ દરમિયાન બંને ક્રીમમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હેવી મેટલ્સ મળી આવ્યા હતા. આવા તત્ત્વોની વધુ માત્રા વપરાશકર્તાઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જોકે, પ્રોડક્ટ્સમાં કયા હેવી મેટલ્સ અને કેટલી ચોક્કસ માત્રા મળી તે અંગેની વિગત જાહેર કરવામાં આવી નથી.
CDSCOની ગ્રાહકોને સીધી સલાહ
CDSCOએ લોકોને આ બંને ક્રીમ ખરીદવા નહીં અને જો અગાઉથી ખરીદી હોય તો તેનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા સલાહ આપી છે. આ ઉપરાંત, સમાન નામ ધરાવતા અથવા મળતા-જુલતા અનધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સથી પણ સાવચેત રહેવા જણાવ્યું છે.
વેચાણ અને વિતરણ રોકવા એજન્સીઓને આદેશ
CDSCOએ સંબંધિત એજન્સીઓને આ પ્રોડક્ટ્સનું વેચાણ અને વિતરણ અટકાવવા સૂચના આપી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઔષધ નિયંત્રકો ઉપરાંત CDSCOના ઝોન, સબ-ઝોન અને પોર્ટ ઓફિસોને પણ પોતાના અધિકારક્ષેત્રમાં આવા ઉત્પાદનોની ઉપલબ્ધતા રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે.

કોસ્મેટિક ખરીદતી વખતે લેબલ તપાસો
CDSCOએ ગ્રાહકોને માત્ર અધિકૃત કોસ્મેટિક પ્રોડક્ટ્સ જ ખરીદવા અને ઉપયોગમાં લેવા અપીલ કરી છે. ખરીદી પહેલાં પેકિંગ પર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ નંબર, ઉત્પાદકની વિગતો, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ જેવી માહિતી તપાસવી જોઈએ. આયાત કરાયેલા કોસ્મેટિક્સ પર રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જરૂરી છે.
અહીં ફરિયાદ કરો
લેબલમાં કોઈ ગેરરીતિ જણાય તો ભારતમાં બનેલા પ્રોડક્ટ્સ અંગે સંબંધિત રાજ્ય ઔષધ નિયંત્રકને અને આયાતી કોસ્મેટિક્સ અંગે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને જાણ કરવા CDSCOએ જણાવ્યું છે.
આ પણ વાંચો : Surat : પતિએ પત્નીને જ ‘વાઈફ સ્વેપિંગ’ માટે ધકેલી, દેરાણી બોલી- ‘આ તો આજકાલ કોમન છે’