android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi : યુસુફ પઠાણ સહિત 20 બળવાખોર સાંસદો સામે ક્યારે કાર્યવાહી ? લોકસભા અધ્યક્ષનો આવી ગયો જવાબ

calendar_todayOctober 22, 2026

Delhi : યુસુફ પઠાણ સહિત 20 બળવાખોર સાંસદો સામે ક્યારે કાર્યવાહી ? લોકસભા અધ્યક્ષનો આવી ગયો જવાબ

તૃણમૂલ કોંગ્રેસમાંથી નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાયેલા સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સહિતના 20 બળવાખોર સાંસદો સામે ગેરલાયકાતની કાર્યવાહી અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મહત્વની સ્પષ્ટતા કરી છે. અધ્યક્ષે ગુરુવારે જણાવ્યું હતું કે સંબંધિત સભ્યોનો જવાબ મળ્યા બાદ બંધારણની દસમી અનુસૂચિ અનુસાર આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આ મામલે બંને પક્ષોને સાંભળવામાં આવશે.

સંસદસભ્યો પાસેથી લેખિત ખુલાસો મંગાયો

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 22 ઓક્ટોબરે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ છે અને તેમની પોતાની અદાલતમાં પણ ચાલી રહ્યો છે. દસમી અનુસૂચિ હેઠળ એક ચોક્કસ બંધારણીય પ્રક્રિયા નિર્ધારિત થયેલી છે અને સંસદસભ્યો પાસેથી લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે. સાંસદોનો જવાબ આવ્યા પછી તરત જ આગામી પગલાં ભરવામાં આવશે. 

બંધારણીય પ્રક્રિયાનો અનિવાર્ય ભાગ છે

અધ્યક્ષે ઉમેર્યું કે તેઓ આ સમગ્ર કેસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગે છે. કોઈપણ સભ્યને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવી એ બંધારણીય પ્રક્રિયાનો અનિવાર્ય ભાગ છે. જો બળવાખોર સભ્યો સમય લંબાવવાની માંગ કરે તો નિયમ મુજબ તેમને સમય આપવો પડે છે. સંસદીય અદાલતમાં તમામ નિર્ણયો એક જ દિવસમાં આવી શકતા નથી.

ગેરલાયક ઠેરવવા માટે સ્પીકરને અરજી કરાયેલી છે

આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ લોકસભા અધ્યક્ષને 20 અલગ-અલગ અરજીઓ સોંપી હતી. તેમણે દલીલ કરી હતી કે આ સભ્યોએ સ્વેચ્છાએ પક્ષનું સભ્યપદ છોડીને એનસીપીઆઈમાં પ્રવેશ કર્યો હોવાથી તેમને ગેરલાયક ઠેરવવા જોઈએ. બેનર્જીએ અધ્યક્ષને વિનંતી કરી હતી કે અલગ જૂથનો દાવો કરતા કોઈપણ જૂથને કોઈ માન્યતા, દરજ્જો કે સગવડ આપવામાં ન આવે. ત્યારબાદ ટીએમસી નેતાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવીને કાર્યવાહીમાં વિલંબ થતો હોવાની રજૂઆત કરી હતી. 

સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર અધ્યક્ષ પાસે

સુપ્રીમ કોર્ટે 23 સપ્ટેમ્બરે આશા વ્યક્ત કરી હતી કે સ્પીકર આ અરજીઓ પર ઝડપથી નિર્ણય લેશે. અધ્યક્ષે જણાવ્યું કે જવાબ આવ્યા પછી પ્રક્રિયા ઝડપી બનાવાશે. દલ-બદલ સંબંધિત કેસમાં સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અધિકાર અધ્યક્ષ પાસે છે, જેને કોર્ટમાં પડકારી શકાય છે.


આ પણ વાંચો :   Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો