calendar_todayOctober 23, 2026
Delhi: ચૂંટણી પંચની ઓફિસ પાસે એકઠા થયા પ્રદર્શનકારી, કેન્દ્રીય દળોની 273 કંપનીઓની તૈનાતી 31 ઓક્ટોબર સુધી લંબાવાઈ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચની કચેરી નજીક મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. બીજી તરફ સઆઈઆરના મુદ્દે અને સીજેપીના વિરોધ પ્રદર્શનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એટલે કે સીએપીએફની 273 કંપનીઓની તૈનાતી બીજી વખત વધારીને 31 ઓક્ટોબર સુધી કરવાનો આદેશ જારી કરાયો છે. ચૂંટણી પંચ સામે દેખાવો થયા છે.
મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા
દિલ્હીમાં એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચની કચેરી નજીક મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માગ કરી હતી. પ્રદર્શનકારીઓએ જંતરમંતર પર લાદવામાં આવેલા પ્રતિબંધના નિર્ણયને તાત્કાલિક પાછો ખેંચવાની પણ માગણી ઉઠાવી છે.
સુરક્ષા વધારીને કડક ઘેરાબંધી કરવામાં આવી
બીજી તરફ ચૂંટણી પંચના મુખ્યાલયની સુરક્ષા વધારીને કડક ઘેરાબંધી કરવામાં આવી છે અને સ્થળ પર વિશાળ સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરી દેવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશભરમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે ત્યારે રાજધાનીમાં સ્થિતિ નિયંત્રણમાં રાખવા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. અગાઉ કોકરોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની ટુકડીઓ દિલ્હી લાવવામાં આવી હતી.
પોલીસે ગૃહ મંત્રાલયને સીએપીએફની તૈનાતી લંબાવવા વિનંતી કરી
દિલ્હીમાં સતત વધતા વિરોધ પ્રદર્શનોના પગલે દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને સીએપીએફની તૈનાતી લંબાવવા વિનંતી કરી હતી. શરૂઆતમાં દિલ્હી પોલીસે 20 ઓક્ટોબર સુધી આ કેન્દ્રીય દળોની હાજરી ચાલુ રાખવાની માગ કરી હતી.
273 કંપનીઓની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી
ગૃહ મંત્રાલયે આ અપીલ સ્વીકારીને 22 ઓક્ટોબરે દિલ્હી પોલીસ અને સંબંધિત કેન્દ્રીય સુરક્ષા દળોને પરસ્પર સંકલન જાળવી રાખવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા. પોલીસની રજૂઆત પર ગૃહ મંત્રાલય દ્વારા અગાઉ સીએપીએફની કુલ 301 કંપનીઓની તૈનાતીને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં દિલ્હી પોલીસ દ્વારા 6 ઓક્ટોબરે 221 કંપનીઓ અને 8 ઓક્ટોબરે 80 કંપનીઓની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ 10 ઓક્ટોબરે સીજેપીના વિશાળ પ્રદર્શનને લઈને મોટા પાયે આ દળો તહેનાત કરાયા હતા અને હવે સમયમર્યાદા બાદ પણ 273 કંપનીઓની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે.
દિલ્હી પોલીસને મળેલી બાતમી
દિલ્હી પોલીસને મળેલી બાતમી અને આશંકા મુજબ વિરોધ કરી રહેલા સંગઠનો ફરીથી જંતરમંતર, ચૂંટણી પંચ, સંસદ ભવન તેમજ ઈન્ડિયા ગેટ જેવા અત્યંત સંવેદનશીલ જાહેર સ્થળો પર ધસી જઈને ઉગ્ર દેખાવો કરી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓની કચેરીઓ અને તેમના સત્તાવાર નિવાસસ્થાનો બહાર પણ જોરદાર પ્રદર્શન યોજવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાટનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર છે. સીજેપી અને અન્ય સંગઠનોના આ સંભવિત આંદોલનોને પહોંચી વળવા માટે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસની વધારાના સમય સુધી 273 કંપનીઓ રોકી રાખવાની માગણીને આખરી મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો : CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કઇ શરતો હેઠળ મળ્યા જામીન ? કોર્ટને શું આપી બાંહેધરી ?