android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Delhi : SWAT કમાન્ડો કાજલની તેના પતિએ કરી જઘન્ય હત્યા, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

calendar_todayJanuary 29, 2026

Delhi : SWAT કમાન્ડો કાજલની તેના પતિએ કરી જઘન્ય હત્યા, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો

દિલ્હી પોલીસની SWAT કમાન્ડો કાજલની હત્યાને લઈ રાજધાની દિલ્હી હચમચી ઉઠ્યું છે. તેની હત્યા ખુબ જ બેરહેમીથી કરવામાં આવી છે. કાજલની હત્યા તેના પતિ અંકુરે કરી છે. કાજલ પોતાના ઘરમાં જ હિંસાનો શિકાર થઈ છે.

દિલ્હી પોલીસની SWAT કમાન્ડો કાજલની હત્યાથી લોકો ચોંકી ઉઠ્યા છે. જણાવી દઈએ કે આ જઘન્ય હત્યાનો આરોપી અન્ય કોઈ નહીં પણ કાજલનો પતિ અંકુર છે. જે વ્યક્તિએ તેની સાથે પોતાનું સમગ્ર જીવન જીવવાના સોગંધ લીધી, તે વ્યક્તિએ જ કાજલની હત્યા કરી દીધી.

કોણ હતી કાજલ?

સોનીપતના ગનૌર ગામની 28 વર્ષીય કાજલ એક જાંબાઝ દીકરી હતી. 2022માં દિલ્હી પોલીસમાં ભરતી થઈને તે સ્પેશિયલ સેલની SWAT યૂનિટની કમાન્ડો બની. વર્ધી તેના માટે નોકરી નહીં, ગર્વ અને જવાબદારી હતી. ગ્રેજ્યુએશન દરમિયાન કાજલની મુલાકાત અંકુર સાથે થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ અને 2023માં બંનેએ લવ મેરેજ કર્યા, અંકુર સંરક્ષણ મંત્રાલયમાં ક્લાર્કના પદ પર તૈનાત હતો.

લગ્નના માત્ર 15 દિવસ બાદ દહેજની માગ શરૂ થઈ

પરિવારજનોના જણાવ્યા મુજબ લગ્નના માત્ર 15 દિવસ બાદ દહેજની માગ શરૂ થઈ, ગાડી અને પૈસાને લઈને ટોણા મારવા, માનસિક અને શારીરિક હિંસા વધતી ગઈ. 2024માં કાજલ દિલ્હીમાં અલગ રહેવા લાગી. તે 4 મહિનાની ગર્ભવતી પણ હતી, તેમ છતાં પતિ દ્વારા મારપીટ કરવાના આરોપ લાગ્યા. ડ્યુટી, ગર્ભાવસ્થા અને ઘરેલુ હિંસા સામે એકલી લડતી રહી. 22 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે અંકુરે કાજલ પર જીવલેણ હુમલો કર્યો. પહેલા માથું નીચે પટક્યુ અને પછી લોખંડના ડંબલથી માથા પર હુમલો કર્યો. આખું ઘર બુમોથી ગુંજી ઉઠ્યું પણ મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું નહીં.

શું મહિલાઓ પોતાના ઘરમાં સુરક્ષિત છે?

ગંભીર સ્થિતિમાં કાજલને હોસ્પિટલ લઈ જવામાં આવી અને થોડા દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી રહી અને 27 જાન્યુઆરીએ કાજલે અંતિમ શ્વાસ લીધા. ફોરેન્સિક તપાસમાં ઈજાના નિશાન મળ્યા. પહેલા હત્યાનો પ્રયત્નનો કેસ, ત્યારબાદ હત્યાની કલમ ઉમેરવામાં આવી. દિલ્હી પોલીસે આરોપી પતિ અંકુરની ધરપકડ કરી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. કાજલ ગુનાઓ સામે લડવા માટે પ્રશિક્ષિત હતી પણ પોતાના જ ઘરમાં જ તે હિંસાનો શિકાર થઈ ગઈ. ત્યારે સવાલ એ છે કે શું મહિલાઓ પોતાના ઘરમાં સુરક્ષિત છે?

 
આ પણ વાંચો : PM Modiએ AI સેક્ટરના CEO અને નિષ્ણાંતો સાથે યોજી બેઠક, India-AI ઈમ્પેક્ટ સમિટને લઈને કરી ચર્ચા