calendar_todayOctober 16, 2026
Dhandhuka : ડમ્પરની ટક્કરે ઈકો અગનગોળો બની, ચાલક ભડથું
અમદાવાદ જિલ્લાના ધંધૂકા પાસે ગુરુવારે રાત્રે સર્જાયેલી ગમખ્વાર માર્ગ દુર્ઘટનાએ હૃદય હચમચાવી દીધાં છે. ધંધૂકા-બરવાળા માર્ગ પર કોટન સેલ જીન નજીક પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે ઈકો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર આશરે 30 ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ દરમિયાન ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે ડમ્પરનું કેબિન પણ તેની લપેટમાં આવી ગયું હતું. દુર્ઘટનામાં ઈકો કારના ચાલક સંજય કાળુભાઈ કણઝરીયા (ઉંમર 34 વર્ષ, રહે. રાણપુર રોડ, ધંધૂકા)નું મોત નિપજ્યું હતું. સ્થાનિકો અને ધંધૂકા ફાયર ટીમ દ્વારા 40 મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ધંધૂકા પોલીસે ડમ્પરના ચાલક પ્રદીપ વડદરિયા સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત કરી એક વ્યક્તિનું મોત નિપજાવી કાઢવા સબબ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ગમખ્વાર અકસ્માતના બનાવ અંગે ધંધૂકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધંધૂકાના માર્ગ પરની કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર ભારવાહક વાહનોના ચાલકોની ઝડપ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો