calendar_todayJanuary 1, 2026
Dhandhuka: 108ના કર્મચારીની સૂઝબૂજથી માતા અને શિશુને નવજીવન મળ્યું
સાંપ્રત સમયમાં 108 એમ્બ્યુલન્સ સેવા અનેક જીવ બચાવતી જીવનરક્ષક સેવા સાબિત થઈ રહી છે. તેવી જ એક અનોખી અને માનવતાને ઉજાગર કરતી ઘટના ધંધૂકા નજીક બની હતી. જેમાં એમ્બ્યુલન્સ વાનમાં જ એક પ્રસૂતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ શીતલબેન વિહાભાઈ(ઉં.વ. 20) ગર્ભાવસ્થાનાટ્વ અંતિમ તબક્કામાં હતા. મોડી રાત્રે તેમને અચાનક તીવ્ર દુખાવાની શરૂઆત થતા SDH હોસ્પિટલ, ધંધુકામાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળક ઊંધું હોવાનું જાણવા મળતાં વધુ સારવાર માટે માતાને તાત્કાલિક મોટી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડતા ડોક્ટરે તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. 108 કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી EMT સચિન માળી તથા પાઇલટ શક્તિસિંહ ઝાલા સમયસર સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે એમ્બ્યુલન્સ દર્દીને હોસ્પિટલ તરફ્ લઈ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં જ પ્રસૂતાનો દુખાવો અત્યંત વધી જતા તાત્કાલિક ડિલિવરી કરવાની ફરજ પડી હતી.
EMT સચિન માળીએ પોતાની કુશળતા અને ERCP ડો. દેવ સરની ટેલિફેનિક સલાહ અનુસાર અત્યંત ગંભીર સ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી સફ્ળતાપૂર્વક કરાવી હતી. ત્યારબાદ ERCPની સૂચના મુજબ જરૂરી દવાઓ આપી માતા અને નવજાત બાળકી ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળકી બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. દર્દીના સગા-સંબંધીઓએ 108 એમ્બ્યુલન્સના સ્ટાફ્ની સમયસૂચકતા, નિષ્ઠા અને માનવતા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો