calendar_todayFebruary 18, 2026
Dhandhuka: કેનાલમાંથી 24 કલાક બાદ સુજલનો મૃતદેહ મળ્યો
ધંધૂકા શહેર નજીકના નર્મદા કેનાલ વિસ્તારમાં તા. 16મીની બપોરે દુર્ઘટનાજનક બનાવ બન્યો હતો. બનાવની વધુમાં મળતી માહિતી મુજબ ધંધૂકાની શાળામાં ધો. 11માં અભ્યાસ કરતા ભાવેશ નાયક અને સુજલ પરમાર નામના બે મિત્રો ન્હાવા માટે કેનાલમાં ઉતર્યા હતા. દરમિયાન પાણીના પ્રવાહમાં સુજલ પરમાર ગરકાવ થયો હતો, જ્યારે ભાવેશ નાયક સલામત રીતે બહાર નીકળી ગયો હતો.
ઘટના અંગે તાત્કાલિક ધોળકા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધી સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. શોધખોળ વધુ અસરકારક બને તે માટે રાત્રિના સમયે અત્યાધુનિક રોબોટની મદદથી કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, છતાં રાત્રે સફ્ળતા મળી નહોતી. મંગળવારે વહેલી સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના જવાનો દ્વારા સતત પ્રયાસો અને ભારે જહેમત બાદ અંદાજે 24 કલાક પછી સુજલ પરમારનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને કેનાલ કે નદી જેવા ઊંડા પાણીના વિસ્તારોમાં ન્હાવા જતા સમયે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો