calendar_todayFebruary 19, 2026
Dhandhuka: 7 વર્ષથી પીવાનાં પાણીની સમસ્યા જૈસે થે
ધંધૂકા શહેરની અશરફી સોસાયટીમાં છેલ્લા લગભગ સાત વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. સોસાયટીના રહેવાસીઓના જણાવ્યા મુજબ નગરપાલિકાના અધિકારીઓ દર થોડા મહિનાઓએ સ્થળ મુલાકાત લઈ સમસ્યા ઉકેલવાના આશ્વાસન આપે છે, પરંતુ હકીકતમાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
રહેવાસીઓ કહે છે કે અગાઉ નગરપાલિકા દ્વારા લાઇન રીપેરિંગ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ ફરીથી લાઇનમાં ખામી હોવાનું જણાવી નવી કામગીરીની વાત કરવામાં આવી હતી. કેટલાક મહિના પહેલા સમગ્ર સોસાયટીમાં નવી પાણી લાઇન નાખવાની પણ ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તે અમલમાં આવી નથી. સદર સમસ્યા અંગે સ્થાનિકોના વધુમાં જણાવ્યા મુજબ વારંવાર અલગ-અલગકારણો દર્શાવી કામગીરી લંબાવવામાં આવે છે, જેના કારણે પીવાના પાણી માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા અને નવી પાણી લાઇન અંગે સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવાની માંગ કરી છે.
શાંતિવન સહિત અનેક સોસાયટીઓના રહીશોમાં દૂષિત પાણીના વિતરણથી આક્રોશ
ધંધૂકા શહેરની શાંતિવન સોસાયટી તેમજ આજુબાજુની અન્ય સોસાયટીઓમાં ગંદા પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પીવા અને વપરાશ માટે આવતું પાણી દુષિત હોવાની ફ્રિયાદો ઉઠી રહી છે, જેના કારણે લોકોના આરોગ્ય પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.સ્થાનિક ગૃહિણી રીટાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે વારંવાર પાલિકા તંત્રને આ મુદ્દે રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.ખ્ ગંદા પાણીના કારણે રોજિંદા જીવનમાં અડચણો ઉભી થઈ રહી છે અને બાળકો તથા વડીલોની તબિયત અંગે પણ ચિંતા વધતી જાય છે. સ્થાનિકોએ નગરપાલિકાને તાત્કાલિક પાણી પુરવઠાની લાઇનની તપાસ કરી શુદ્ધ પાણી પૂરું પાડવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો