calendar_todayMay 3, 2026
Dwarka: ભાણવડમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, નગરપાલિકા પાસે બનેલી ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં આજે એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. ભાણવડ નગરપાલિકા કચેરી પાસેના માર્ગ પર બે કારો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
સીસીટીવીમાં કેદ થયા લાઈવ દ્રશ્યો
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, બંને કારો પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પાસે એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. રસ્તા પર પસાર થઈ રહેલા રાહદારીઓ પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.
મોટી જાનહાનિ ટળી
અકસ્માતની તીવ્રતા જોતા એમ લાગે કે મોટી હોનારત સર્જાઈ હશે, પરંતુ સદનસીબે બંને કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કોઈને પણ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવી રહ્યું છે. જોકે, બંને વાહનોમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.