calendar_todayMay 18, 2026
Dwarka News: જામખંભાળિયામાં નગરપાલિકાના સ્વિમિંગ પૂલમાં 15 વર્ષનો કિશોર ડૂબ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાંથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અહીં નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલો એક 15 વર્ષનો કિશોર કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબવા લાગ્યો હતો. સ્વિમિંગ પૂલમાં કિશોરને ડૂબતો જોઈને ત્યાં હાજર લોકો અને સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, ત્યાં ફરજ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક સતર્કતા દાખવીને ડૂબી રહેલા કિશોરને પાણીમાંથી બહાર કાઢી લીધો હતો.
ધર્મેશ સિંગરખિયા નામના કિશોરને જામનગર રિફર કરાયો
ઘટના મળતી માહિતી અનુસાર, પાણીમાં ડૂબી જવાથી ગંભીર બનેલા આ 15 વર્ષીય કિશોરનું નામ ધર્મેશ સિંગરખિયા હોવાનું સામે આવ્યું છે. સ્વિમિંગ પૂલના કર્મચારીઓએ તેને બહાર કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક જામખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે, કિશોરની તબિયત વધુ નાજુક જણાતા તબીબોએ તેને વધુ અને ગંભીર સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં રિફર કર્યો છે.
નગરપાલિકા સંચાલિત પૂલની સુરક્ષા સામે સવાલો
નગરપાલિકા સંચાલિત આ સ્વિમિંગ પૂલમાં બનેલી ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. આ અકસ્માત કઈ રીતે સર્જાયો અને પૂલ પર સુરક્ષાના પૂરતા સાધનો તેમજ ટ્રેનર્સ હાજર હતા કે નહીં, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ તો ઈજાગ્રસ્ત ધર્મેશ વહેલી તકે સાજો થઈ જાય તે માટે તેના પરિવારજનો પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો - Dwarka: ગોમતી નદીમાં ડૂબેલા રાજકોટના યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો, હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબ્યો